કોલકાતા, તા. ૧૩
તૃણમુલ કોંગ્રેસના નેતા બિનય તમાંગે દાર્જિલિંગની મુલાકાત દરમિયાન સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, તેઓ દાર્જિલિંગને કાશ્મીર બનાવવા માગતા નથી. તેમણે જણાવ્યું કે, અમે હંમેશા શાંતિના હિમાયતી રહ્યા છીએ અને દાર્જિલિંગના પર્વતીય વિસ્તારને બીજા જમ્મુ-કાશ્મીરમાં ફેરવવા માગતા નથી. દાર્જિલિંગની મુલાકાત બાદ કોલકાતા પહોંચીને દિવસ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત પહેલા તેમણે જણાવ્યંુ કે, અમે અશાંતિ ઇચ્છતા નથી, શાંતિ જોઇએ છે અને અમે પર્વતીય વિસ્તારમાં શાંતિ જાળવવા તમામને અપીલ કરી રહ્યા છીએ. આગામી ૧૬મી ઓક્ટોબરે દાર્જિલિંગના પક્ષો અને રાજ્ય સરકાર સાથેની બેઠક પહેલા તેઓ રવિવારે રાજ્યપાલને પણ મળવા જશે.
શુક્રવારે સવારે પેટલબાસમાં ગોળીબાર અને હિંસાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા તમાંગે જણાવ્યું હતું કે, આજની ઘટના બાદ દાર્જિલિંગમાં બિમલ ગુરૂંગની પરત ફરવાની કોઇ તક દેખાતી નથી. તેમના કેટલાક ટેકેદારો પેડોેંગમાં બંધ કરાવવા માગતા હતા પરંતુ તેઓને ટૂંકમાં જ પકડી પાડવામાં આવશે. લોકો તોડફોડના રાજકારણની વિરૂદ્ધ છે. બળવાખોર જીજેએમન નેતા પશ્ચિમ બંગાળ પોલીસની શંકાથી દૂર નથી કારણ કે ગુરૂંગ ઉત્તરપૂર્વમાં માઓવાદી અને વિદ્રોહીઓ સાથે સંબંધ ધરાવે છે.