(એજન્સી) તા.ર૭
તામિલનાડુ મુસ્લિમ મુનેત્ર કઝગમ (ટીએમએમકે)ના સભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મારી નાંખવાની કથિત ધમકી આપ્યા પછી ભાજપના રાજ્ય એકમે તેના વિરૂદ્ધ દ્વેષયુક્ત ભાષણ આપવાની ફરિયાદ દાખલ કરી છે. ટીએમએમકેના અજાણ્યા સભ્યે તિરૂચિરપલ્લીમાં ત્રણ તલાક બિલ, ધારા ૩૭૦ નાબૂદી તેમજ યુએપીએ બિલમાં સુધારા વિરૂદ્ધ રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં આ ભાષણ આપ્યો હતો. આ ભાષણની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ભાજપે તેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. ટીએમએમકેના સભ્યએ તેના ભાષણમાં કહ્યું હતું કે, ભાજપ અને આરએસએસની કાર્યવાહી ફકત મુસ્લિમોને નહીં પરંતુ આ દેશના દરેક નાગરિકને અસર કરે છે. આ કારણે જ અમે અમારો અવાજ ઉઠાવી રહ્યા છીએ. જો અમને ફકત અમારા માટે અવાજ ઉઠાવવાનું શીખવવામાં આવ્યું હોત તો જે ક્ષણે મોદીએ ત્રણ તલાકની બાબતને સ્પર્શ કર્યો તે જ ક્ષણે અમે મોદીનું માથું કાપી નાંખ્યું હોત. અમે કોઈપણ વસ્તુથી ડરતા નથી. ભલે પછી ગુપ્તચર એજન્સીઓ મારા ભાષણની નોંધ લે. તેણે આગળ કહ્યું હતું કે, જો અમે ફકત મુસ્લિમોનું વિચારતા હોત તો અમિત શાહ આજે જીવતા ન હોત, નરેન્દ્ર મોદી જીવતા ન હોત અને સંસદ એ સંસદ ન હોત. પરંતુ અમે આમ ન કર્યું. શા માટે કારણ કે અમે ભારતીય કાયદાઓ, લોકશાહી અને બંધારણનું સન્માન કરીએ છીએ. આ ભાષણ સામે તામિલનાડુ ભાજપના પ્રવકતા નારાયણન થિરૂપથીએ ફરિયાદ નોંધાવી હતી. આ ભાષણ તામિલનાડુમાં મુસ્લિમ સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા મોદી સરકારની મુસ્લિમ વિરોધી નીતિઓ સામે યોજાયેલા શ્રેણીબદ્ધ દેખાવોનો એક ભાગ છે. ડીએમકે, સીપીએમ, સીપીઆઈ, વીસીકે અને ક્રિશ્ચિયન ગુડવિલ મુવમેન્ટ જેવા રાજકીય સંગઠનોએ આ વિરોધ પ્રદર્શનોને સમર્થન આપ્યું હતું.