(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા. ૩
રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ૧૧મી કડીનો પોરબંદરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ગરીબોની યોજનામાં વચેટીયા હતા. અમે ગરીબોના ઉત્થાન માટે વચેટીયાને નાબૂદ કર્યા એટલું જ નહીં ભૂતકાળમાં તો માત્ર ગરીબી હટાવવાના નારા જ લાગ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરથી ગરીબ મેળાનો પ્રારંભ કરાવતા કોંગ્રેસ પર વધુ પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા વચેટીયા નાબૂદી મેળા બન્યા છે અને કોંગ્રેસના શાસનમાં ફૂલેલા ભ્રષ્ટાચારને નાથીને અમે ગરીબના હાથમાં સીધા જ નાણાં-લાભ આપીએ છીએ.
રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો વિરોધ કરી રહેલ કોંગ્રેસ સામે વધુ નિશાન તાકતાં કહ્યું હતું કે ભૂતકાળમાં ગરીબી હટાવોના માત્ર નારા તેઓએ આપેલા તેની સામે ગરીબ બીચારો ઠેરનો ઠેર રહ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાત સરકાર ગરીબોને તેમના હકકનું આપી રહી છે, કોઈ દાન કરતી નથી. ગરીબોને વિકાસની તક આપતી સરકાર કોઈ ઉપકાર કરનારી નથી.
વિજય રૂપાણીએ આ વર્ષે ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેકશન મેળવેલી ર લાખ જેટલી બહેનોને સ્ટેઈનલેસ સ્ટીલના પ લીટરના પ્રેશર કૂકર આપીને સમયની બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે તેમ પણ જાહેર કર્યું હતું.
વિજય રૂપાણીએ આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં રૂા.રપ હજાર સુધીની કીટ આપીને વંશ પરંપરાગત કડીયા, લુહાર, સુથાર, પ્લમ્બર વગેરેને આધુનિક ટેકનિક સાથે આર્થિક આધાર આપવાનો અભિગમ અપનાવ્યો છે તેની ભૂમિકા આપી હતી. આ અવસરે પોરબંદર-રાણાવાવ-કુતિયાણા વિસ્તારની પીવાના પાણીની સમસ્યાના નિવારણરૂપે પાણી પુરવઠા વિભાગ દ્વારા ડી નેટવર્ક અંતર્ગત ૬૪ કિ.મી. લંબાઈની બલ્ક પાઈપલાઈન યોજનાનો મુખ્યમંત્રીએ શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રીએ પોરબંદરના બે બાળકોને જળદૂત તરીકે સેવ વોટર કેમ્પેઈનના એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા.