(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, ટ્રિપલ તલાક મુદ્દે કોંગ્રેસ પોતે જ અસમંજસમાં છે. એમણે એ પ્રકારના આક્ષેપોનો ઈન્કાર કર્યો જેમાં કહેવાય છે કે સરકાર મુસ્લિમોને રાજી કરવાના પ્રયાસો કરી રહી છે અને હજના નિયમોમાં સુધારાઓનો શ્રેય પણ પોતે લેવા માંગે છે. જજો વચ્ચે ઊભી થયેલ કટોકટી બાબતે એમણે કહ્યું કે એ જજો આંતરિક રીતે ઉકેલશે.
ટ્રિપલ તલાક બાબતનું બિલ લોકસભામાં પસાર થયું છે અને હવે રાજ્યસભામાં પસાર થવાનું બાકી છે. વિપક્ષો તલાક બિલમાં સજાની જોગવાઈઓનો સંસદ અને સંસદની બહાર વિરોધ કરી રહ્યા છે. એ મુદ્દે અને અન્ય મુદ્દાઓ બાબતના મંતવ્યો જાણવા કેન્દ્રીય મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી જેના ઉત્તરો એમણે આ મુજબ આપ્યા હતા.
નકવીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં સન્માન સાથે વિકાસ થયો છે અને પ્રસન્ન રાખવાના પ્રયાસો વિના સશક્તિકરણ ઉપર ધ્યાન અપાયું છે. અમારી સરકારના પ્રયાસોને દુનિયાના ઘણા દેશોએ વધાવ્યું છે. આટલા વર્ષોથી લઘુમતીઓને ફકત રાજી કરવાના પ્રયાસો કરાયા છે અને સશક્તિકરણ બાબત ધ્યાન નથી અપાયું. હજ યાત્રા માટે ગયા વર્ષે આપણા દેશની હજ કવોટામાં વધારો કરાયો. અન્ય મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે અમોએ હજ સબસિડીને ખતમ કરી હતી તે વખતે કોમમાંથી એટલો બધો વિરોધ થયો ન હતો કારણ કે અમે જાહેરાત કરી હતી કે લોકો ઉપર આ બોજો હોવો ન જોઈએ. અમોએ લોકોને વિકલ્પો પૂરા પાડ્યા હતા. મેં કોઈ વ્યક્તિ શ્રીનગરથી હજ માટે જવા ઈચ્છે છે તો એ દિલ્હીથી પણ જઈ શકે છેે. પહેલાં આ પ્રમાણે થઈ શકતું ન હતું.
પ્રશ્ન : પત્રકાર અવંતિકા ઘોષ : સરકારે મુસ્લિમ સંસ્થાઓથી સલાહ કર્યા વિના કયા સંજોગોમાં ટ્રિપલ તલાક કાયદામાં સજાની જોગવાઈ કરી હતી ?
ઉત્તર : ટ્રિપલ તલાક બાબતનો નિર્ણય એક જ દિવસમાં કરાયો ન હતો. સુપ્રીમકોર્ટની બંધારણીય બેંચે આ મુદ્દે લાંબી સુનાવણી કરી હતી જેમાં મુસ્લિમ સંગઠનોએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સુપ્રીમકોર્ટે એ પછી ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરી રદ કર્યો હતો એ વખતે મુસ્લિમ કોમ અથવા ધાર્મિક સંગઠનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધો થયા ન હતા. કોઈએ પણ નહીં કહ્યું કે ટ્રિપલ તલાક કાયદેસર છે. બધાએ એને ગેરકાયદેસર અને બિનઈસ્લામિક ગણાવ્યું.
અમુક લોકોએ કાયદામાં જેલની સજાનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે, જો પતિને જેલમાં મોકલાશે તો કુટુંબને ભરણપોષણ કોણ ચૂકવશે ? પણ એ જેલ જાય જ કેમ ? જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો એમને જેલમાં જવું પડે છે જેથી અમે કહીએ છીએ કે ગુનો કરો જ નહીં. જેથી તમારે જેલમાં જવું ન પડે. બધા જ ગુનાઓમાં જેલની સજાની જોગવાઈ નહીં કરીએ તો આ પ્રથાનો અંત નહીં થાય. અમે મહિલાઓને અધિકારો અપાવવા કાયદો ઘડ્યો છે.
પ્રશ્ન : અવંતિકા : ગુલામનબી આઝાદે કહ્યું છે કે જો સરકાર વળતર આપવાની બાંહેધરી આપે તો અમે બિલનો રાજ્યસભામાં સમર્થન કરીએ. શું તમે આ વાત સાથે સંમત છો ?
ઉત્તર : આ મુદ્દે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો સંસદમાં ચર્ચા કરી સુધારાઓ રજૂ કરતા નથી ફકત હવે કહી રહ્યા છે કે, બિલને સિલેક્ટ કમિટીને આપી દો. આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. પણ કોંગ્રેસ આ મુદ્દે અસમંજસમાં છે અને નિર્ણય કરી શકતી નથી.
પ્રશ્ન : અવંતિકા : પણ સિલેક્ટ કમિટીને બિલ મોકલવું એ કાયદાકીય પ્રણાલિ છે તમે શા માટે એનો વિરોધ કરો છો ?
ઉત્તર : અમને એમાં કોઈ વાંધો નથી. આ પહેલાં અમોએ જીએસટી અને મોટર વ્હીકલ એકટનું બિલ સિલેકટ કમિટીને મોકલ્યું હતું. પણ જે બાબત મુખ્ય વિરોધ છે એની ચર્ચા ગૃહમાં થવી જોઈએ જે જેલની જોગવાઈ છે.
પ્રશ્ન : રવિશ તિવારી : લોકો કહે છે કે, આ ગુનાને કોગ્નીઝેબલ ગુનો ગણવાથી કોઈ ત્રાહિત વ્યક્તિ પણ એમાં દખલ કરી શકશે અને કેસ દાખલ કરી શકશે. જો આ નોન કોગ્નીઝેબલ હોત તો વાત દંપતી વચ્ચે રહી હોત ? શું એ સુરક્ષિત ન હતું ?
ઉત્તર : જો તમે સ્ત્રી પ્રથાના કાયદાને જૂઓ તો ખ્યાલ આવશે. એમાં આનાથી પણ વધુ કડક જોગવાઈ છે. જ્યારે કાયદો પસાર કરાયો ત્યારે લોકો કહેતા હતા કે આ ધર્મ અને વિશ્વાસની વિરૂદ્ધ છે. જેમાં સરકારની દરમિયાનગીરી ના હોવી જોઈએ. પણ તે વખતે બ્રિટીશ સરકારે એને રદ કર્યો એ જ પ્રમાણે બાળલગ્ન પ્રથાને પણ રદ કરાઈ હતી.
આ ધાર્મિક બાબતે નથી પણ સામાજિક પ્રથાઓ છે જ્યારે મુસ્લિમ દેશોએ આ પ્રથાને રદ કરી છે અને ગુનો જાહેર કર્યો છે તો એનો અમલ ભારતમાં થાય તો એમાં શું ખોટું છે ?
પ્રશ્ન : અવંતિકા : તમે ટ્રિપલ તલાકની સરખામણી હત્યા સાથે કરો છો ?
ઉત્તર : આ ખૂબ જ ગંભીર ગુનો છે. પતિ સરળતાથી ત્રણ વખત તલાક ઉચ્ચારી શકે છે પણ એ પછી પત્ની ક્યાં જાય ? એમણે તલાક શુદાનું કલંક લઈને ફરવાનું. તમારે આ બાબતને રાજકીય રીતે નહીં જોવી જોઈએ.
પ્રશ્ન : રવિશ તિવારી : તો પછી શું તમે મુસ્લિમ મહિલાઓને રાજી રાખવાના પ્રયાસો નથી કરતા ?
ઉત્તર : નહીં, અમે ફકત એમને બંધારણીય અધિકારો આપીએ છીએ જે એમને બહુ પહેલાં મળવા જોઈતા હતા.
પ્રશ્ન : બીજી એવી કોઈ સામાજિક પ્રથાઓ છે જેને સરકાર ખતમ કરવા ઈચ્છે છે ?
ઉત્તર : લોકો પોતે બહાર આવે અને અમને જણાવશે તો અમે કરીશું. અમે ઈચ્છીએ છીએ કે કોમ પોતે એને જુએ; જો એમને સામાજિક કુપ્રથાઓ જણાતી હોય તો અમને જાણ કરે. પણ સરકાર પોતાની મેળે કંઈ નહીં કરી શકે. મુસ્લિમ કોમ ઘણા બધા સુધારાઓ કરી રહી છે જેનું અમે સ્વાગત કરીએ છીએ.
પ્રશ્ન : શું તમે શિક્ષણ ક્ષેત્રમાં પણ સુધારાઓ કરવા પ્રયાસો કરશો ?
ઉત્તર : શિક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. એ ફકત મુસ્લિમોની બાબત નહીં પણ બધી કોમ માટે આવશ્યક છે. શિક્ષણ દ્વારા જ સમાજનો વિકાસ થઈ શકે. જ્યાં સુધી મદ્રેસાઓનો પ્રશ્ન છે એ બાબત લાંબો ઈતિહાસ છે. મદ્રેસાઓએ દેશમાં ઘણું યોગદાન આપ્યું છે. જેની શરૂઆત સ્વતંત્રતા સંગ્રામના સમયથી થઈ હતી. મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણ ઉપરાંત સામાન્ય શિક્ષણ પણ હોવું જોઈએ જેના ઉપર અમે ભાર મૂકી રહ્યા છીએ.