(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૩૦
ભાજપના ભય અને ત્રાસથી ગુજરાત છોડી બેંગાલુરૂ ગયેલા કોંગ્રેસના ૪૪ ધારાસભ્યો અંગે વહેલી કરાયેલી જાતજાતની વાતો અને આક્ષેપો અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે દિલ ખોલીને જવાબો આપ્યા હતા. બેંગાલુરૂમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે અમે અહીંયા જલસા કરવા નહીં પરંતુ લોકશાહીની રક્ષા અને અમારી સુરક્ષા માટે આવ્યા છીએ. જો મોજમજા કરવા જ હોત તો ભાજપના ૧પ કરોડ સ્વીકારી બેંગાલુરૂ તો શું દેશ-વિદેશમાં જલ્સા કરી શકત. બેંગાલુરૂ ખાતે પત્રકાર પરિષદમાં સંબોધન કરતી વખતે ખૂબ જ ભાવુક સુન થઈ ગયેલા શકિતસિંહ ગોહિલે ગળગળા સ્વરે જણાવ્યું હતું કે અમારા ધારાસભ્યોને ડરાવવામાં અને ધમકાવવામાં આવ્યા હતા. આથી ના છુટકે જાન હથેળીમાં લઈ લોકશાહી બચાવવા અમારે અહીં આવવું પડયું છે જો અમારે જલ્સા જ કરવા હોત તો દુબઈ કે સિંગાપુર ગયા હોત પરંતુ કોંગ્રેસ શાસિત રાજયમાં અમને સલામતી લાગતા અમે અહીં આવ્યા છીએ. ગુજરાતમાં અમારા વિશે એવી મનઘડત વાતો ફેલાવવામાં આવી રહી છે કે અમે ભયાનક પૂર વચ્ચે કણસતા લોકોને છોડી ભાગી ગયા પરંતુ સચ્ચાઈ એ છે કે, અમે અમારા ધારાસભ્યો અને અહીં આવ્યા ત્યાં સુધી એમના વિસ્તારમાં કામગીરી કરતા જ હતા. સરકાર પણ પહોંચી ન હતી. અને વડાપ્રધાન હેલિકોપ્ટરમાં આવી ઉડીને જતા રહ્યા આ પહેલાથી જ અમે લોકો જ મદદમાં પહોંચી ગયા હતા. પરંતુ ભાજપ દ્વારા આઈપીએસ અધિકારીના માધ્યમથી અમારા ધારાસભ્યોને ડરાવવા, ધમકાવવા લાલચ આપવાનો પ્રયાસ કરાયો ત્યારે અમારા ધારાસભ્યોએ નકકી કર્યું કે ગુજરાતમાં આપણી સલામતી નથી. એટલે સહુ નક્કી કરી અહીં આવ્યા છે. તેમ છતાં તેમના પરિવારના સભ્યો અને સ્થાનિક કાર્યકરો આજે પણ પૂરગ્રસ્તો વિસ્તારમાં કામગીરી કરી જ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપાની સરકારને પૂરગ્રસ્તોની ચિંતા નથી એક જ પરિવારના ૧૮ લોકો પૂરના લીધે મોતને ભેટયા તેની ચિંતા ભાજપના મુખ્યમંત્રી કે મંત્રીઓને ન હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ત્યાં પહોંચ્યા હતા. એ વખતે ભાજપના નેતાઓ કોંગ્રેસને તોડવામાં વ્યસ્ત હતા. તેમનો એક જ ધ્યેય હતો કે રર ધારાસભ્યોને ખરીદી લો. સાડા ચાર વર્ષ સુધી તેમને કોઈ સમસ્યા ન હતી પરંતુ જેથી રાજયસભાની ચૂંટણી આવી કે તુરત જ કોંગ્રેસમાં સમસ્યા દેખાવા લાગી ચૂંટણી પહેલાં કોંગ્રેસને સાફ કરવાની તેમની મુરાદ હતી પરંતુ હું મારા સાથી ધારાસભ્યોનો ખૂબ-ખૂબ આભાર માનીશ કે તેઓ વેચાયા નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રપ જુલાઈના રોજ અમારા પક્ષની મીટિંગ હતી. તેમાં પ૩ ધારાસભ્યો હાજર હતા. જો અહમદ પટેલને રાજનીતિ જ કરવી હોત તો તે જ વખતે તમામ પ૩ ધારાસભ્યોને લઈ બેંગાલુરૂ આવી જાત પરંતુ ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ પડતો હતો. અહમદ પટેલે તે વખતે તમામ ધારાસભ્યોને જણાવ્યું કે તમે લોકો તમારા વિસ્તારમાં જાઓ અને પૂર અસરગ્રસ્તો માટે કામ કરો અને ર૪,રપ,ર૬ જુલાઈના રોજ તમામ તેમના વિસ્તારમાં કામ કરતા જ હતા અને અમે સરકારને પણ મદદ કરવા રજૂઆત કરી હતી. ત્યાં સુધી ભાજપનો કોઈ નેતા ફરકયો ન હતો. અમારા ધારાસભ્યો પૂરના પાણીમાં મદદે પહોંચ્યા હતા અને હવે જયારે પૂરના પાણી ઓસરી ગયા છે ત્યારે મુખ્યમંત્રી, મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યોએ તેમના વિસ્તારમાં દેખા દીધી છે.