(એજન્સી) તા.૧૯
આજે દેશભરમાં સીએએ, એનપીઆર અને પ્રસ્તાવિત એનઆરસી વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દિલ્હીના શાહીનબાગમાં જે રીતે દેખાવોની શરૂઆત થઈ હતી તે આજે દેશભરના દેખાવકારો માટે આઇકોન બની ગયા છે. શાહીનબાગની જ્યારે તમે મુલાકાત લેવા પહોંચશો તો તમને ત્યાં સૂત્રોચ્ચાર સારી રીતે સંભળાશે.
આ સૂત્રોચ્ચાર સાંભળતાની સાથે જ તમને આભાસ થઇ જશે કે આ સ્થળ હવે દેખાવોનું આઇકોન બની ચૂક્યું છે. અહીં જે રીતે નાગરિકતા સુધારા કાયદો, એનઆરસી અને એનપીઆરનો વિરોધ થઈ રહ્યો છે તેવો કદાચ દેશમાં અગાઉ ક્યારેય થયો નહીં હોય. અહીં દેખાવ સ્થળની મુલાકાત પછી તમને દેખાવકારોના મૂડનો અંદાજ આવી જ જશે. અહીં લોકો છેલ્લે બે મહિનાથી સતત ર૪ કલાકથી દેખાવો કરી રહ્યાં છે. આ મામલે હવે સુપ્રીમકોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. અહીં જે રીતે સૂત્રોચ્ચાર કરવામાં આવે છે તેનાથી સંપૂર્ણ વાતાવરણમાં જાણે એક ક્રાંતિ ફેલાઇ જાય છે. દેખાવ સ્થળની નજીક જ એક ફૂટ ઓવર બ્રિજ છે જ્યાં મોટું ડિસ્પલે લગાવેલ છે. તેમાં મહાત્મા ગાંધી, ડો. આંબેડકર, મૌલાના અબુલ કલામ આઝાદના પોસ્ટરો તમને જોવા મળી જશે. એલઇડી પેનલની પણ વ્યવસ્થા કરાઈ છે જ્યાં એનઆરસી, એનપીઆર અને સીએએનો ચોક્કસ વિરોધ કરતાં રહીશું તેવું લખેલું આપને દેખાઇ જ જશે.
અહીં ગુલબાનો નામની દેખાવકાર સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે અમારા દેખાવોનું નેતૃત્ત્વકાર કોઇ નથી. અમારી એક જ માગ છે કે જ્યાં સુધી સીએએ અને એનઆરસી તથા એનપીઆર રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારા દેખાવોનો અંત આવવાનો નથી. જ્યાં સુધી સરકાર આ ત્રણેય મામલે પીછેહઠ નહીં કરી લે ત્યાં સુધી અમે પણ અચોક્કસ મુદ્દત સુધી દેખાવો કરવા તૈયાર છીએ.