(એજન્સી) તા.૧૮
કેરળમાં આવેલા વિનાશક પૂરના કારણે સ્થિતિ અતિ ગંભીર છે. અત્યાર સુધીમાં ૧૧૩ લોકોએ આ પૂરના કારણે જીવ ગુમાવ્યો છે. ભારતમાં આવેલી આ કુદરતી આફત પર તુર્કી સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. તુર્કીએ એક પ્રેસનોટ બહાર પાડી કેરળ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મીડિયા અહેવાલો પ્રમાણે તુર્કીના વિદેશ મંત્રાલયે પ્રેસનોટમાં લખ્યું છે કે, અમને આ દુઃખદ સમાચાર મળ્યા છે કે, ભારતમાં ચોમાસાના કારણે આવેલા પૂરમાં લોકોના જાનમાલનું ઘણું નુકસાન થયું છે. પૂર પીડિત લોકો અને મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો અમારી સંવેદનાનો સ્વીકાર કરે. અમે આ મુશ્કેલ સમયમાં ભારત સરકારની સાથે છીએ. ત્યાં જ કેરળના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થિતિ વધારે ગંભીર થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં થયેલા ર૭ લોકોના મૃત્યુ પછી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને ૧૧૩ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્યના બધા ૧૪ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.