(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કરી દીધો છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાને ‘જન અવાજ’નામ આપ્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે મહત્વની ઘણી જાહેરાતો કરી છે. આ ચૂંટણી ઢંઢેરામાં ‘ન્યાય યોજના’ અને ખેડૂતો માટે અલગથી બજેટ જેવા ઘણા વાયદા કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા દ્વારા કરવામાં આવેલા બધા વાયદા પુરા કરવામાં આવશે. આ ચૂંટણી ઢંઢેરો અમારા મનની નહીં, દેશની જનતાની મનની વાત છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે વડાપ્રધાન મોદીમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપવાની હિંમત નથી. તેઓ મીડિયાથી ડરે છે, તેથી પ્રેસ કોન્ફરન્સ યોજતા નથી. રાહુલ ગાંધીએ કોઇ પણ મુદ્દા અંગે પીએમ મોદીને ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે એવું પણ કહ્યું કે હું વડાપ્રધાન મોદી સાથે કોઇ પણ મુદ્દા અંગે ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છું. જો તેમનામાં હિંમત છે તો કોઇ પણ મંચ પર અને કોઇ પણ મુદ્દા અંગે મારી સાથે ચર્ચા કરી બતાવે. મીડિયા જેવી રીતે મને પ્રશ્નો પૂછે છે તેવી રીતે પીએમ મોદીને પૂછી શકતું નથી, કારણ કે તેમનામાં જવાબ આપવાની હિંમત નથી.
ન્યાય યોજના વિશે ભાજપ કહે છે કે આ શક્ય નથી, એવું રાહુલ ગાંધીને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આ ભાજપ માટે શક્ય નથી પરંતુ અમે કરીને બતાવીશું. ભાજપે મનરેગા અને ખેડૂતોની લોન માફીને પણ શક્ય નહીં હોવાનું બતાવ્યું હતું, અમે તેને શક્ય કરીને બતાવી દીધું અને હવે ન્યાય યોજનાને પણ શક્ય કરીને દેખાડીશું.