(એજન્સી) આણંદ,તા.૧૮
૧૨ ઓગસ્ટના રોજ ગુજરાતમાં ફરીથી ઉનાકાંડ દોહરાયો હતો. અમદવાદથી ૭૭ કિ.મી. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલા કાસોર ગામે એક દલિત યુવાન અને તેની માતાની સવર્ણો દ્વારા મારપીટ કરવામાં આવી હતી. કાસોર ગામના શૈલેશભાઇ મણિભાઇ રોહિત અને તેમની માતા મણિબેન મણીભાઇ રોહિત જ્યારે તેમના ઘરે હતા ત્યારે ૧૦૦ જેટલા લોકોના ટોળાએ તેમના પર હુમલાો કર્યો હતો.
અહેવાલ અનુસાર એક ગાયની ખાલ ઉતારવાના મામલે ગામના દરબારોએ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. એેસસી-એસટી (અત્યાચાર નિવારણ) એક્ટ હેઠળ આઇપીસીની કલમ ૩૨૩ અને ૫૦૬-૨ હેઠળ સાત લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પાછળથી પોલીસે એફઆઇઆરમાં ૧૨ વધુ નામો ઉમેર્યા હતા. અમે ૧૬ ઓગસ્ટના રોજ અત્યાર સુધીમાં ૧૭ આરોપીઓની ધરપકડ કરી છે એવું આણંદની એસસી-એસટી સેલના ડીવાયએસપી ડીડી ડામોરે અને આ કેસના તપાસ અધિકારીએ જણાવ્યું હતું. ૧૧ ઓગસ્ટના રોજ શૈલેશભાઇને એ જ ગામના સવર્ણ ગૌતાભાઇ ભગત તરફથી ફોન મળ્યો હતો કે એક ગાયનું મેાત નિપજ્યું છે અને ગાયના શબને તેમના સ્થળેથી લઇ જવા જણાવ્યું હતું. શૈલેશભાઇના મોટાભાઇ પ્રકાશભાઇ મણીભાઈ રોહિતે જણાવ્યું હતું કે અમારા પરિવારે પશુઓના શબ ઉઠાવવાનું અને મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી ક્યારની છોડી દીધી છે. તેમ છતાં સવર્ણ ગ્રામજનો અમને ફોન કરે છે કારણ કે અમે દલિતો છીએ. તેમાંના કેટલાક અમારા પરિવાર સાથે એખલાસભર્યા સંબંધો ધરાવે છે આથી જ્યારે આવા લોકોનો ફોન આવે છે ત્યારે અમે પશુઓના શબને ઉઠાવવા જઇએ છીએ. પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે પાંચ લોકોએ ૨૧ વર્ષના શૈલેષ ભાઇને પકડી રાખ્યા હતા અને અન્ય ચારથી પાંચ લોકોએ તેને પાશવી માર માર્યો હતો અને તેનું ગળું દબાવવાની કોશિશ કરી હતી. ૫૦ વર્ષના મારા માતાને પણ માર મારવામાં આવ્યો હતો અને શૈલેશ કરતાં તેમને વધુ ઇજા થઇ છે. દરબારોએ મારી એક વર્ષની દીકરીને જીવતી સળગાવવાની પણ ધમકી આપી હતી. અમે તેમની ગંદકી સાફ કરીએ છીએ છતાં એ લોકો અમને મારે છે અને ધમકાવે છે એવું પ્રકાશભાઇએ જણાવ્યું હતું. દલિતોને ખંભાત અને ઉમરેઠ જેવા ગામના પડોશી ક્ષેત્રના મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો નથી. તાજેતરમાં ગુજરાતના આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના કાસોર ગામે ૧૦૦ જેટલા લોકોના ટોળાએ એક દલિત પુરુષ અને તેમની માતા પર હુમલો કર્યો હતો. એક ગાયનું શબ દલિતે જ્યાં નિકાલ કર્યો હતો તેનાથી તેઓ રોષે ભરાયા હતા અને ગામમાં દલિતોના તમામ ઘરો સળગાવવાની ધમકી આપી હતી.