ડીસા, તા.૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મણિશંકરે નીચી જાતિના કહ્યા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેનું રાજકારણ ગરમાઈ ગયું છે. શુક્રવારે ડીસા ખાતે યોજાયેલી જાહેરસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનું અપમાન પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ પણ કર્યું છે તો શું કોંગ્રેસ તેમને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરશે ? તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની પ્રચારકાર્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રણેય જણાએ શુક્રવારે બનાસકાંઠાને ઘમરોળ્યું હતું. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ડીસા ભાજપના ઉમેદવાર શશિકાંત પંડ્યાને જીતાડવા ડીસા હવાઈ પીલ્લર મેદાનમાં જંગી જાહેરસભાને સંબોધી હતી. અમિત શાહે સભા સંબોધતા જણાવ્યું હતું કે, અમે વંશવાદની નહિ પરંતુ વિકાસ વાદનું રાજકારણ કરીએ છીએ. અમિત શાહે રાહુલ ગાંધીના મંદિર જવા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, અત્યારે રાહુલબાબા ગુજરાતની ચૂંટણી હોવાથી મંદિરે મંદિરે ભટકી રહ્યા છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ રામમંદિરનો કેસ સુપ્રીમમાં આવ્યો તેને ૨૦૧૯ સુધી મુલતવી રાખવાની વાત કરી રહ્યા છે તો ચૂંટણી પછી પણ રાહુલ મંદિરમાં જાય તેમ જણાવ્યું હતું.