(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આજરોજ રાજ્યપાલ ઓ.પી. કોહલીની ગાંધીનગર ખાતે મુલાકાત લઈ બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં ખેડૂતોને કરાતો અન્યાય, અપૂરતુ વળતર, જળસંકટ, ગાયોના ઘાસનો મુદ્દો, પંચાયતી રાજને ઉથલાવી પાડવાના પ્રયત્નો જેવા વિવિધ મુદ્દા પર આવેદનપત્ર સુપરત કર્યું હતું અને જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને જમીન સંપાદનમાં અન્યાય થશે તો વિરોધ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રાજ્યપાલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાત સરકાર ખેડૂતો, ખેતમજૂરોના હક્કો છીનવી અન્યાય કરી રહી છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના અને પુરતું વળતર આપ્યા વિના તેમની જમીન સંપાદન કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. રાજ્ય સરકારની જવાબદારી છે કે ખેડૂતોને અને ખેતમજૂરોને યોગ્ય વળતર આપવામાં આવે. મોટાભાગના અસરગ્રસ્તો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે. આથી જમીન સંપાદનમાં પારદર્શિતા અને પુનઃવસન અને પુનઃ વસવાટના કાયદાનો યોગ્ય અમલ કરવામાં આવે તેમણે ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો વિરોધ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી અને જણાવ્યું હતું કે, ખેડૂતોના ભોગે વિકાસ થવો ન જોઈએ. કોંગ્રેસ ક્યારેય વિકાસ વિરોધી રહી નથી. કોંગ્રેસ હંમેશા ખેડૂતો અને ઉદ્યોગો બંને વચ્ચે સંતુલન રાખીને વિકાસ કર્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામપંચાયતને બંધારણમાં કાયદાકીય રક્ષણ મળેલું છે પરંતુ લોકશાહીના પાયાની ગણાતી આ પંચાયતોનો રાજકીય કારણોસર રાજ્ય સરકાર જિલ્લા અને તાલુકા પંચાયતોને અમલદારશાહીની મદદથી તોડી પાડવાના પ્રયત્નો કરી રહી છે. કારણ કે મોટાભાગની જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે એટલે આવું કરાઈ રહ્યું છે.
ગાયો ઘાસચારાના અભાવે ભારે સમસ્યાઓનો સામનો કરી રહી છે. ગાયો મરી રહી હોવાથી રાજ્ય સરકારે પશુધન બચાવવું જોઈએ. કોંગ્રેસે તેના શાસનમાં અનેક કેટલ કેમ્પો કરી પશુધન બચાવ્યું હતું. આ ઉપરાંત તેમણે રાજ્યમાં સર્જાયેલા જળસંકટ અંગે પણ રાજ્યપાલનું ધ્યાન દોરી જણાવ્યું હતું કે, જે જળસંચયનું કામ વહેલાસર કરવામાં આવ્યું હોત તો પ્રજાને ફાયદો થાત. આ સરકાર ખેડૂત વિરોધી, ખેતી વિરોધી અને બિનલોકશાહી પદ્ધતિ અપનાવી રહી હોવાથી દિવસે દિવસે રાજ્યમાં પરિસ્થિતિ બગડતી જાય છે.