(એજન્સી) મેરિલેન્ડ, તા. ૨૯
અમેરિકાના મેરિલેન્ડ રાજ્યના એનાપોલીસ શહેરમાં કેપિટલ ગેઝેટ નામના અખબારની કચેરીમાં ઘૂસીને હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા પાંચ લોકોના મોત થયા હતા. પોલીસે આ શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે અને તેની પુછપરછ ચાલુ છે જેની પાસે એક રાઇફલ કે ગન હતી અને તે એકલો જ હુમલો કરવા આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે, અખબારમાં પોતાના વિરૂદ્ધ છપાયેલા અહેવાલથી ગુસ્સે ભરાઇ તેણે આ હુમલો કર્યો હતો.
અમેરિકી સુરક્ષા એજન્સીઓ અનુસાર હુમલાખોરનું નામ જેરોસ રામોસ છે. જેરોડ અમેરિકી નાગરિક છે અને તેની ઉંમર ૩૯ વર્ષની છે. જેરોડ પર યુવતી સાથે છેડતીનો આરોપ હતો અને અખબારે આ અહેવાલ પ્રકાશિત કર્યા હતા. અખબારની કચેરીમાં ગોળીબારની ઘટના બાદ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અમને માહિતી મળી હતી કે, એક બંદૂકધારી ઇમારતની અંદર ગોળીબાર કરી રહ્યો છે ત્યારે અમે તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હુમલાખોરને પકડી લીધો હતો. હાલ તે અમારી હિરાસતમાં છે. ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયા હતા. ઘટના અંગેરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ જાણકારી આપવામાં આવી હતી.