(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૩
અમેરિકા સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ભારત પરમાણુ સંગઠન એનએસજીમાં સામેલ થવા માટેની બધી જ યોગ્યતા ધરાવે છે. પણ ચીન ભારતના પ્રવેશને વીટો વાપરી અટકાવી રાખે છે. તેમ છતાંય અમેરિકા ભારતની પડખે જ છે અને ભારતને એનએસજીમાં પ્રવેશ અપાવવાના બધા જ પ્રયાસો કરશે. ભારત છેલ્લા ઘણા સમયથી એનએસજીમાં પ્રવેશ કરવા પ્રયાસો કર્યા છે પણ દર વખતે ચીન વીટો વાપરી ભારતને અટકાવે છે. આ સંગઠનમાં ૪૮ દેશો છે. જેમના સભ્ય દેશો પરમાણુ વેપાર મુક્ત રીતે કરી શકે છે. ભારતે લગભગ બધા દેશો પાસેથી સમર્થન મેળવ્યા છે પણ દર વખતે ચીન વીટો વાપરે છે. ચીનનું કહેવું છે કે ભારતે એનપીટી કરાર ઉપર સહી કરી નથી જે માટે અમે એમને અટકાવીશું. એનએસજી સંગઠનની પૂર્વ શરત એ છે કે જો બધા જ સભ્ય દેશોની સંમતિ હોય તો અન્ય દેશને સભ્ય બનાવાય છે. જો એક પણ દેશ સંમતિ નહીં આપે તો પ્રવેશ અપાતો નથી. અમેરિકાના પ્રવક્તાએ કહ્યું કે ભલે ચીન વીટો વાપરી ભારતને અટકાવે છે પણ અમે ભારત સાથે જ છીએ અને ભારતને પ્રવેશ અપાવીને જંપીશું.