(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨
અમેરિકાએ મંગળવારે કહ્યું હતું કે ઘણા દેશોને ચિંતા છે કે, જમ્મુ-કાશ્મીરના હંગામી ખાસ રાજ્યના દરજ્જાને રદ કરવાને પગલે પાકિસ્તાનના આતંકવાદી જૂથો ભારતમાં હુમલા કરી શકે છે, એટલે સુધી કે પાકિસ્તાને આતંકવાદી જૂથો પર અંકુશ લગાવવાનું ચાલુ રાખ્યું છે તેમ છતાં આ હુમલાની દહેશત છે. ઇન્ડો-પેસિફિક સિક્યોરિટી અફેર્સના સહાયક સચિવ રેન્ડેલ શ્રીવર કહ્યું કે મને લાગે છે કે, કાશ્મીરને લઇ ભારતના નિર્ણય બાદ સરહદ પર ઘણા મોટા હુમલા થઇ શકે છે. જોકે, મને નથી લાગતું કે, ચીન આ પ્રકારના હુમલાને સમર્થન કરશે અથવા તેને યોગ્ય ગણાવશે. અમેરિકાએ એમ પણ કહ્યું છે કે, જો પાકિસ્તાન આ પ્રકારના આતંકવાદીઓને કાબૂમાં રાખશે તો આ હુમલાઓને રોકી શકાય છે. શ્રીવરે વોશિંગ્ટનની જનતાને કહ્યું હતું કે, કાશ્મીર પરના નિર્ણય બાદ ઘણા દેશોને એવી દહેશત છે કે, આતંકવાદી જૂથો સરહદ પારથી હુમલા કરી શકે છે. સાથે જ એવી પણ પૂરી શક્યતા છે કે, ચીન આ રીતે કોઇ સંઘર્ષ ઇચ્છશે નહીં. શ્રીવર કાશ્મીર મુદ્દે ચીન દ્વારા પાકિસ્તાનને સમર્થન આપવા અંગે પુછાયેલા સવાલોનો જવાબ આપી રહ્યા હતા. ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમો ૩૭૦ અને ૩૫-એને રદ કરી હતી. શ્રીવરે કહ્યું કે, કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીનનું સમર્થન ઘણી હદે વ્યૂહાત્મક અને રાજકીય સમર્થન છે. પેન્ટાગોનના ટોચના અધિકારીએ કહ્યું કે, ચીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાને લઇ જવાય કે નહીં તે અંગે જો ચર્ચા થાય તો ચીન તેનું સમર્થન કરશે. પણ મને નથી લાગતું કે ચીન આનાથી વધુ કાંઇ કરી શકશે. તેમણે ઉમેર્યું કે, ચીનના પાકિસ્તાન સાથે લાંબા સમયથી સંબંધ છે અને તેનાથી ભારત સાથે તેની સ્પર્ધા વધી છે.બીજી તરફ ભારત ચીન સાથે સ્થિર સંબંધો રાખવા ઇચ્છે છે. વિદેશ મંત્રી એસ જયશંકરના પ્રવાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, અમેરિકા તેમની સાથે વિચાર-વિમર્શ કરી રહ્યું છે. અમે ચીન સાથેના સંબંધો અંગે વાત કરી છે. તેઓ ચીન સાથે સ્થિર સંબંધો રાખવા માગે છે. પણ તેમાં કોઇ શંકા નથી કે ત્યાં ચિંતા અને સ્પર્ધા વધી રહી છે. મારા મતે કાશ્મીરના મુદ્દે ચીન પાકિસ્તાનની સાથે રહેશે.
જમ્મુ-કાશ્મીરના પગલાં બાદ પાક. આતંકવાદી જૂથો ભારત પર હુમલા કરી શકે તેવી ‘‘ઘણાને ચિંતા’’ : અમેરિકા

Recent Comments