(એજન્સી) તા.૩
સઉદી અરબ સરકાર કહે છે કે ૧૧ સપ્ટેમ્બર ર૦૦૧ના રોજ અમેરિકામાં થયેલા આતંકી હુમલાના પુરાવાના અભાવને લીધે પીડિત પરિવારો દ્વારા કરાયેલા કેસને પાછા ખેંચી લેવા જોઈએ.
સઉદી અરબના વકીલોએ મેનહેટ્ટન સંઘીય અદાલતમાં મંગળવારે એક અરજી કરી અનુરોધ કર્યો છે. ૧૪ વર્ષો બાદ ૧૦૦ અબજ અમેરિકી ડોલરનો કેસ પરત ખેંચી લેવો જોઇએ. દાખલ કરેલી અરજીમાં કહેવાયું છે કે સઉદી અરબ વિરુદ્ધ હજારો પાના અને અટકળોના દાવાનો કોઇ વાસ્તવિક પુરાવો નહોતો જેમાં સઉદી અરબ દ્વારા આતંકીઓની મદદ કરવાનો મામલો હોય.
તમને જણાવી દઈએ કે કેસમાં સેંકડો પીડિતોના સંબંધીઓ અને ઘાયલ બચેલા લોકો અને વીમા કંપનીઓએ દાવો કર્યો છે કે સઉદી સરકારના કર્મચારીઓએ જાણીજોઈને હવાઇ હુમલાના અપહરણકારો અને ષડયંત્રકારોની મદદ કરી હતી સાથે જ તેમણે આતંકવાદી સંગઠન અલ કાયદાના વિકાસને પ્રોત્સાહન આપ્યું હતું. અરજી દાખલ કર્યા બાદ ૯/૧૧ પરિવારો અને બચેલા લોકોનું પ્રતિનિધિત્વ કરનારા ન્યૂજર્સી આધારિત સમૂહે કહ્યું કે કિંગડમ વિરુદ્ધ ભારે પુરાવા છે. સમૂહે કહ્યું કે સઉદી અરબ તેની ભાગીદારીના ભારે સબૂત હોવાને કારણે આ કેસને દિશાથી ભટકાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. ૯/૧૧ના હુમલાને સપ્ટેમ્બરમાં ૧૬ વર્ષ પૂર્ણ થઇ જશે. સમૂહે આરોપ મૂક્યો છે કે તેમના સરકારી અધિકારીઓ અને એજન્ટોએ આ ભયાવહ હુમલામાં મદદ કરી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં થયેલા ૯/૧૧ના આતંકી હુમલાનો ઇતિહાસનો સૌથી ક્રૂર અને ભયાવહ આતંકી હુમલો ગણાય છે. ૧૧ સપ્ટેમ્બર ર૦૦૧ના રોજ અલ કાયદાના આતંકીઓએ યાત્રીઓથી ભરેલા બે વિમાનો ન્યૂયોર્કની ઓળખ સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ગગનચુંબી ઇમારત સાથે અથડાવી દીધા હતા. આ મામલે અમેરિકાએ સઉદી અરબ સામે શંકા વ્યક્ત કરી છે પરંતુ અત્યાર સુધી તેની વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી.