(એજન્સી) વોશિંગ્ટન, તા. ૩૦
અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઇમેલ હેલ્પ લાઇન પર ફેડરલ એજન્સીને એચ-૧બી વિઝા છેતરપિંડી અને તેના દુરૂપયોગની ૫૦૦૦થી વધુ ફરિયાદો મળી હોવાનું એક અધિકારીએ જણાવ્યું છે. ૨૦૧૮ની ૨૧મી મે સુધીમાં યુએસ સિટીઝન્શિપ અને ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)ને આ ફરિયાદો મળી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ ફ્રોડ ડિટેક્શન અને નેશનલ સિક્યોરિટી ડિરેક્ટોરેટ (એફડીએનએસ)એ શંકાસ્પદ એચ-૧બી અને એચ-૨બી છેતરપિંડી કે દુરૂપયોગ વિશે માહિતી મેળવવા માટે એક ઇમેલ એડ્રેસ બનાવ્યો હતો. જોકે યુએસસીઆઇએસએ ફરિયાદના પ્રકારના સંદર્ભમાં વધુ કોઇ વિગતો આપી નથી. એચ-૧બી વિઝા છેતરપિંડી અને દુરૂપયોગમાં કઇ કંપનીઓ સંડોવાયેલી છે, કયા દેશના સૌથી વધુ પ્રોફેશલ્સ છેતરાયા છે, એવી કોઇ પણ વિગતો આપવામાં આવી નથી. યુએસસીઆઇએસના પ્રવક્તા ફિલિપ સ્મિથે જણાવ્યું કે બાય અમેરિકન, હાયર અમેરિકન એક્ઝિક્યુટિવ ઓર્ડર અમલમાં મૂકીને એફડીએનએસએ અમેરિકી કર્મચારીઓની સુરક્ષા કરવા માટે એચ-૧બી પ્રોગ્રામની તપાસ કરવામાં એજન્સીને સહાય કરી છે. યુએસસીઆઇએસએ જણાવ્યું કે અમેરિકામાં ભારે કુશળ કર્મચારીઓની અછત હોવાની સ્થિતિમાં ભારે કુશળ વિદેશી કર્મચારીઓની ભરતી કરવામાં એચ-૧બી વીઝા અમેરિકી કંપનીઓની મદદ કરે છે.