(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૪
ઉત્તર કોરિયાને પોતાની તાકાત દેખાડવા માટે અમેરિકાએ ફરી વાર લડાકુ વિમાનો ઉડાવ્યાં. ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ વચ્ચેના સૌથી ઊંડાણના સ્થળે અમેરિકી બોમ્બર અને લડાકુ વિમાનો ઉડાવવામાં આવ્યાં. પેન્ટાગોને કહ્યું કે આ વાતથી સાબિત થાય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના અવિચારી વર્તન પર કેટલા ગંભીર છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તા ડેના વ્હાઈટે એક બયાનમાં કહ્યું કે આ મિશન અમેરિકી સંકલ્પનું પ્રદર્શન છે અને સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારના જોખમની સાથે કામ પાર પાડવા માટે ઘણા લશ્કરી વિકલ્પો ધરાવે છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયાના અણુપ્રોગ્રામો એશિયા-પેસિફિક પ્રાંત અને સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ખતરા સમાન છે. અમે અમારા દેશ અને સહયોગીઓનો બચાવ કરવા માટે લશ્કરી તાકાતનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે તૈયારી કરીને બેઠા છીએ. આ પહેલા ૧૮ સપ્ટેબરે પણ અમેરિકાએ ઉત્તર કોરિયા પર લડાકુ વિમાનો ઉડાવ્યાં હતા. યુએનમાં અમેરિકાના કાયમી રાજદૂત નિક્કી હેલીએ પણ કહ્યું હતું કે જો ઉત્તર કોરિયા પરમાણુ પ્રોગ્રામ બંધ નહીં કરે તો તેને બરબાદ કરી નાખવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને રોકેટમેન ગણાવ્યાં હતા અને જો અણુ પ્રોગ્રામ બંધ નહીં કરવામાં આવે તો અમેરિકા ઉત્તર કોરિયાને બરબાદ કરી નાખતાં પણ નહીં અચકાય. તો સામે પક્ષે કિમ જોંગે પણ અમેરિકાને ધમકી આપતાં એવું જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉત્તર કોરિયા વિશે આવું કહેવા બદલ આકરી કિંમત ચૂકવવી પડશે. આ પહેલા શનિવારે ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીએ યુએનમાં ડોનાલ્ડ ટ્રમ્પને માનસિક રીતે પાગલ ગણાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ જે રીતે ધમકીઓ આપી રહ્યાં છે તેનાથી યુદ્ધના ભણકારા વાગે છે.