(એજન્સી) તા.રર
ઇઝરાયેલની સેનાના અધિકારીએ જણાવ્યું કે અમેરિકાએ તેનું સૌ પ્રથમ અને કાયમી સૈન્ય મથકની ઇઝરાયેલમાં સ્થાપના કરી દીધી છે. જોકે ઇઝરાયેલના આ અધિકારીનું નિવેદન વાયરલ થાય તે પહેલા જ અમેરિકી સરકારે સ્પષ્ટતા કરી હતી કે અમારા દ્વારા ત્યાં એવા કોઇપણ સૈન્ય મથકની સ્થાપના કરવામાં આવી નથી. અગાઉ અમેરિકી સરકાર ઇઝરાયેલી સેનાને હથિયારો, પૈસા અને ટ્રેનિંગ મામલે મદદ કરતી રહી છે. જોકે હવે અમેરિકાની સેના પેલેસ્ટીનના વિસ્તારો પર કબજો કરવા માટે ઇઝરાયેલી સેનાને આડકતરી રીતે મદદ કરશે અને તેમના પર સૈન્ય કાયદો લાગુ પાડવા માગે છે. અમેરિકાની સેના ઘણા સમયથી ઇઝરાયેલી સેનાની સમર્થક ગણાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના તમામ સૈન્ય અભિયાન ગુપ્ત રાખવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે આ બેઝમાં મિસાઇલ ડિટેક્શન અને આઇરોન ડોમ બટાલિયનના ભાગરૂપે ડિફેન્સ સિસ્ટમનું ચાલુ અઠવાડિયે જ ઇઝરાયેલમાં અનાવરણ કરવામાં આવ્યું છે. આ અંગે ઇઝરાયેલી અધિકારી કહે છે કે અમારી ડિફેન્સિવ ક્ષમતાને વધુ સક્ષમ બનાવવા માટે ઇઝરાયેલ અને અમેરિકા સંયુક્ત પ્રયાસ કરી રહ્યાં છે. આ માહિતી બ્રિગેડિયર જનરલ ઝેવિક હાઇમોવિચે આપી હતી જે એરિયલ ડિફેન્સ ડિવિઝનનો વડો છે. તેમણે કહ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ સંયુક્ત રીતે જોડાશે અને ઇઝરાયેલમાં અમેરિકાએ તેનું પ્રથમ સૈન્ય મથક સ્થાપિત કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે તે દર્શાવે છે કે અમેરિકા અને અમારી વચ્ચે લાંબી ભાગીદારી અને રણનીતિક કમિટમેન્ટ છે. જોકે ખાસ વાત એ છે કે અહીં અમેરિકી સેના ઇઝરાયેલી અધિકારીઓ હેઠળ કામ કરી રહી છે. જોકે આ સમાચારો પ્રસરતાની સાથે જ અમેરિકાએ ખુલાસો કર્યો હતો કે આ કોઇ બેઝ નથી પરંતુ અમારી સેનાના જવાનો માટે કરવામાં આવેલી સુવિધા જ છે.