(એજન્સી) ન્યૂયોર્ક, નવી દિલ્હી, તા. ૨૮
અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીએ કાશ્મીરી હિન્દુઓની સભામાં જણાવ્યું કે નવા બનાવવામાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને પાછ ફરવા દેવાથી ત્યાંની સુરક્ષાની પરિસ્થિતિ સુધરશે. તેમણે એવું પણ કહ્યું કે ભારતે ઇઝરાયેલ મોડલને અનુસરવું જોઇએ. ભારતીય રાજદૂતની આ ટિપ્પણી સામે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને પ્રહાર કર્યો છે. ભારતીય રાજદૂતની ટિપ્પણીઍોના જવાબમાં ઇમરાનખાને એવું ટિ્‌વટ કર્યું કે ભારતીય રાજદૂતની ટિપ્પણી ભારત સરકારની આરએસએસ વિચારસરણીની ફાસીવાદી માનસિકતા બતાવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સંદીપ ચક્રવર્તીએ સભામાં ઉપસ્થિત લોકોને એવું પણ કહ્યું કે ભારતે ઓગસ્ટમાં જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ રદ કરીને કાશ્મીર અંગે કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય રાજદ્વારી આકરા પ્રહારો પણ સફળરીતે અટકાવી દીધા છે. તેમણે એવું પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ શા માટે રદ કરવામાં આવી, તેના કારણો સમજવા માટે આપણે ઉંડાણમાં જવું પડશે. તેમણે એવું પણ કહ્યું કે મને લાગે છે કે કોઇએ યહૂદી મુદ્દા વિશે કહ્યું હતું. ઇઝરાયેલ બહાર રહીને પણ યહૂદીઓએ ૨૦૦૦ વર્ષ સુધી તેમની સંસ્કૃતિ જીવિત રાખી અને તેઓ ઇઝરાયેલમાં પરત આવ્યા. તેમણે કહ્યું કે આપણે પણ કાશ્મીરી સંસ્કૃતિને જીવિત રાખવી જોઇએ. કાશ્મીરી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે, આ હિન્દુ સંસ્કૃતિ છે. અન્યોની જેમ હું પણ કાશ્મીરી હોવાનો અનુભવ કરૂં છું. જ્યારે સુનંદા વશિષ્ટે જણાવ્યું કે કાશ્મીર ભારત છે અને ભારત કાશ્મીર છે. કાશ્મીર વગર આપણામાંથી કોઇ પણ ભારતની કલ્પના કરી શકે નહીં.