ન્યુજર્સી, તા.રપ
સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે ૧પમી એપ્રિલ ર૦૧૮ના રોજ આયોજિત સાહિત્યસભામાં અમેરિકન ગુજરાતી ડાયસ્પોરાના અગ્રજ અને પ્રખર ભાષાંતરકાર શ્રી અશોક મેઘાણીએ કરેલા વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યના અનુવાદોમાંથી ચયન કરેલા કેટલાક અંશોનું પઠન કર્યું હતું. સાહિત્ય સંસદના કોષાધ્યક્ષ સુશ્રી કોકિલા રાવલના નિવાસે ફિલાડેલ્ફિયા ખાતે આયોજિત સાહિત્ય સાંસદની આ સભામાં પ્રારંભે સાહિત્ય સંસદના મહામંત્રીશ્રી નંદિતા ઠાકોરે સૌ ઉપસ્થિતોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સાહિત્ય સંસદના અન્ય મહામંત્રીશ્રી સુચિ વ્યાસે અતિથિ વક્તા શ્રી અશોક મેઘાણીના વ્યક્તિત્વ અને કતૃત્વનો પરિચય કરાવ્યો હતો. કલા, કૌશલ અને વિજ્ઞાનની પૂરક એવી અનુસર્જનાત્મક કલાના ધારક અશોક મેઘાણીએ અનેક પુસ્તકોના અનુવાદ કર્યા અને એમાં એમણે સીમાચિહ્નરૂપ કામ કર્યું છે. પરંતુ કાકાસાહેબ કાલેલકરના પુસ્તક “હિમાલયનો પ્રવાસ”નો અશોકભાઈએ અંગ્રેજીમાં તરજુમો કરીને વિશ્વપ્રવાસીઓ માટે ઉત્તમ ભેટ ધરી છે. મહદઅંશે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરતા અશોક મેઘાણીએ રાજમોહન ગાંધીનું દરબાર ગોપાલદાસ વિષેનું એક પુસ્તક “પ્રિન્સ ઓફ ગુજરાત”નો પ્રથમવાર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે પણ અત્યંત નિખાલસતાથી તેઓ કહે છે કે ગુજરાતીમાં તરજુમો કરવાનું કામ થોડુંક કઠિન બની રહ્યું. શ્રી અશોક મેઘાણીની રજૂઆત બાદ ઉપસ્થિત ભાવકોએ એમના પ્રતિભાવ આપ્યા હતા. સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાના પ્રમુખ શ્રી વિજય ઠક્કરે કહ્યું કે, અનુવાદકળા મૂળભૂત રીતે માનવ એકતા અને વ્યક્તિચેતનાથી એ વિશેષ વિશ્વચેતનાની સક્રિય સંવાહક છે. વિશ્વ સંસ્કૃતિના વિસ્તાર-પ્રસારમાં અનુવાદનું અત્યંત મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જો કે કઠિન અને જટિલ એવું અનુવાદકાર્ય કરતી વેળાએ અનુવાદકે સર્જનાત્મક કક્ષાએ અસાધારણ ભૂમિકા ભજવવાની હોય છે અને એવી આ સર્જનક્રિયામાં મૂળભૂત રીતે આવશ્યક એવી પ્રતિભા અને જન્મગત સંસ્કાર એ અશોક મેઘાણીને પ્રાપ્ત છે.
સાહિત્ય સંસદ ઓફ નોર્થ અમેરિકાની આ સભામાં ગુજરાત લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના અધ્યક્ષ શ્રી રામ ગઢવી, જાણીતા લેખક મધુ રાય, મુંબઈથી પધારેલા કવિ હિતેન આનંદપરા, જાણીતા સી.પી.એ. અને ફ્રેન્ડસ ઓફ ફિલાડેલ્ફિયાના શ્રી દેવેન્દ્ર પીરની વિશેષ ઉપસ્થિતિ હોવા ઉપરાંત મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. સભાના અંતે શ્રી કોકિલા રાવલે આભાર પ્રદર્શિત કર્યો હતો.