વોશિંગ્ટન,તા.ર૩
અમેરિકામાં વોશિંગ્ટન ખાતે આવેલ ભારતના દુતાવાસની બહાર મુકાયેલ ગાંધીજીની પ્રતિમા સમક્ષ ભારતીય-અમેરિકનોએ સીએએ-એનઆરસી સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા એમણે એક ભારત, એક રાષ્ટ્ર અને એક લોકોનું સૂત્ર આપ્યું હતું.
વોશિંગ્ટન સ્થિતિ એનજીઓના અધ્યક્ષ ભારતીય અમેરિકન માઈક ધૌસે કહ્યું કે અમારો અહીં આવવાનો એક માત્ર ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્ય નાગરિકોના અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાનો છે. એના સિવાય બીજુ કશું નથી અહીં આવેલ લોકોમાં મહિલાઓ, બાળકો અને વિદ્યાર્થીઓ પણ હતા.
ભારતીય-અમેરિકન મુસ્લિમોના સંગઠને અન્ય એવા જ સંગઠનો સાથે મળી આ રેલીનું આયોજન કર્યું હતું. શાંતિપૂર્ણ રીતે યોજાયેલ વિરોધ પ્રદર્શનોમાં ભારતની એકતાની તરફેણમાં સૂત્રો પોકારાયા હતા અને પોસ્ટરો અને બેનરો દર્શાવાયા હતા. એમાં લખેલ હતું કે દેશના હાલના શાસકો ભારતના બંધારણના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોની અવગણતા કરી એનો ભંગ કરી રહ્યા છે. એમણે ભારત સરકારને સીએએ એનઆરસી રદ કરવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો હતો.
ઠરાવમાં જણાવાયું હતું કે સીએએ અને એનઆરસીથી ભારત એક પછાત દેશ તરફ જઈ રહ્યો છે એ વાતનું અનુભવ થઈ રહ્યું છે એ માટે ભારતની ભાજપ સરકારને વિનંતી કરીએ છીએ કે આ બંને કાયદાઓ સત્વરે રદ કરવામાં આવે. ઠરાવની એક નકલ ભારતના દૂતાવાસને અપાઈ હતી.
એમણે જણાવ્યું કે બંને કાયદાઓ લાગુ કરવાથી ભારતમાં બહુમતી અને લઘુમતી કોમો વચ્ચે સંઘર્ષ થવાની શકયતા છે, ભારતમાં મુસ્લિમોની નાગરિકતા જોખમમાં મુકાશે. આસામ અને કાશ્મીરમાં જે પ્રકારની અરાજકતા ફેલાઈ હતી. એ જ પ્રકારની અરાજકતા સમગ્ર દેશમાં ફેલાઈ જશે.
આયોજકોના જણાવ્યા મુજબ ર૦૦થી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા. એક અન્ય ભારતીય-અમેરિકન મુસ્લિમ કસીમ કવાજાએ કહ્યું કે ભારતનું અર્થતંત્ર બગડી રહ્યું છે, બેરોજગારી વધી રહી છે. કાયદો વ્યવસ્થા બગડેલ છે. ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. આવા ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન આપવાના બદલે ભાજપ સરકાર નાગરિકતા પુરવાર કરવાના કાયદાઓ લાવી રહી છે. એનઆરસી દ્વારા ભારતના લોકોને કહેવામાં આવે છે કે સરકાર દ્વારા અપાયેલ મૂળ જન્મ પ્રમાણ પત્ર રજુ કરો જેથી તમારી નાગરિકતા પુરવાર થાય જો કે આવા પ્રમાણપત્રો કોઈની પાસે નથી, ખાસ કરીને ગરીબ અને અશિક્ષિત લોકો આવા દસ્તાવેજો કયાંથી લાવશે.
Recent Comments