(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૭
ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટને સફળ બનાવવા માટે દેશ-વિદેશમાં રોડ-શો સહિતના વિવિધ આયોજનો કરી રહેલ સરકારને વધુ એક ફટકો પડયો છે. ર૦૧૯ની વાયબ્રન્ટ સમીટમાં અમેરિકા દ્વારા પાર્ટનર કન્ટ્રી બનવાનો અગાઉ ઈન્કાર કર્યા બાદ હવે યુ.કે. પણ સમીટમાં પાર્ટનર કન્ટ્રી બનવા માટે નન્નો ભણી દેવાયો હોવાની વિગતો સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. ગત સપ્તાહે અમેરિકા દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમીટ ર૦૧૯માં પાર્ટનર બનવાનો ઈન્કાર કરવામાં આવ્યા બાદ હવે બ્રિટને પણ આ સમીટમાં પાર્ટનર બનવા માટે ના પાડી દીધી છે. આ બંને દેશોના સરકારી પ્રતિનિધિએ આગામી વાયબ્રન્ટ સમીટમાં સામેલ નહી થાય પરંતુ તેમના દેશના ઉદ્યોગપતિ અને કંપનીઓ ભાગ લઈ શકે તેવી શકયતાઓ વ્યકત કરાઈ છે. ચીફ સેક્રેટરી ડો. જે.એન. સિંગના જણાવ્યા અનુસાર યુ.કે. આગામી જાન્યુઆરી ર૦૧૯માં યોજાનાર વાયબ્રન્ટ સમીટમાં પાર્ટનર દેશ તરીકે ભાગ નહી લે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૯માં ૧૭થી ર૦ જાન્યુઆરી દરમ્યાન વાયબ્રન્ટ સમીટ યોજાનાર છે જો કે અમેરિકા અને યુ.કે. ભલે પાર્ટનર દેશ ન બને પરંતુ આ દેશના ઉદ્યોગ જૂથો આ સમીટમાં ભાગ લઈ શકે છે. વાયબ્રન્ટ ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર કેનેડા, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ, નોર્વે સાઉથ કોરિયા, થાઈલેન્ડ, યુએઈ બને ઉઝબેકિસ્તાન આગામી વાયબ્રન્ટ સમીટમાં પાર્ટનર બનશે. પોલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પાર્ટનર બનવા અંગે સહમતી પણ વ્યકત કરી દીધી છે. વર્ષ ર૦૧૭માં યોજાયેલ વાયબ્રન્ટ સમીટમાં રપ લાખ કરોડની કિંમતના ર૧૯૧૦ એમઓયુ સાઈન થયા હતા. આ વખતે રાજય સરકારે તેના કરતા વધુ રકમના એમઓયુ થવાનો દૃઢ વિશ્વાસ દર્શાવ્યો છે.