(એજન્સી) વોશિંગ્ટન, તા. ૩૦
આંતરરાષ્ટ્રીય ધાર્મિક આઝાદી પર આધારિત અમેરિકાના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૨૦૧૭માં હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનોની હિંસાને કારણે લઘુમતી સમુદાયોએ વધુ અસુરક્ષા અનુભવી છે અને આ બાબતે ભારતમાં સિવિલ સોસાયટી અને ધાર્મિક લઘુમતીઓના સભ્યો ભારે ચિંતિત છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ અમેરિકી કોંગ્રેસ દ્વારા અધિકૃત ૨૦૧૭નો આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેનો વાર્ષિક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક લઘુમતી સમુદાયોના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ક્યારેક હિંસક ઘટનાઓ વિશે કહ્યું છે પરંતુ સ્થાનિક નેતાઓએ કદાચ જ એવું કર્યું છે અને ઘણી વાર એવી જાહેર ટિપ્પણીઓ કરી, જેનો અર્થ હિંસાની અવગણના કરવાનો થાય છે. સિવિલ સોસાયટી અને ધાર્મિક લઘુમતીઓના સભ્યોએ જણાવ્યું કે વર્તમાન સરકાર હેઠળ ધાર્મિક લઘુમતીઓના સમુદાયોએ બિન-હિન્દુઓ અને તેમના પૂજાના સ્થળો સામે હિંસામાં સંડોવાયેલા હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનોને કારણે પોતાને વધુ અસુરક્ષિત મહેસુસ કર્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અધિકારીઓએ મોટા ભાગે ગૌહત્યા કે ગાયોની ગેરકાનૂની તસ્કરી કે ગૌમાંસના સેવનના શંકાસ્પદ લોકોમાં મોટાભાગના મુસ્લિમો પ્રત્યે ગૌરક્ષકોની હિંસા સામે કેસ નોંધ્યા નથી. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમકોર્ટમાં મુસ્લિમ શૈક્ષણિક સંસ્થાઓના લઘુમતીના દરજ્જાને પડકારવાનું સરકારે ચાલુ રાખ્યું છે. લઘુમતી દરજ્જાને કારણે આ સંસ્થાઓના કર્મચારીઓની નિયુક્તિ અને અભ્યાસક્રમ સંબંધિત નિર્ણયોમાં સ્વતંત્રતા મળેલી છે. ત્રણ તલાક જેવા કેટલાક કોર્ટ કેસોને ટાંકીને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક રીતે પ્રેરિત હિંસા અને રમખાણોના ઘણા કાનૂની કેસો લાંબા સમયથી કોર્ટોમાં પડતર છે અને આવા કેસો બહુ ધીમી ગતિએ આગળ વધે છે.