(એજન્સી) તા.૨૮
અમેરિકાના ફ્લોરિડામાં આજે વધુ એક વાવાઝોડું અલ્બર્ટોએ તારાજી સર્જી છે. આ પહેલાં રવિવારે અમેરિકાના મેરિલેન્ડ સ્ટેટમાં પૂર અને વાવાઝોડાના કારણે મુખ્ય રસ્તાઓ પર ૬ ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. ફ્લોરિડામાં આજે હજારો લોકોએ વરસાદ અને વાવાઝોડાના કારણે સ્થળાંતર કર્યું હતું. યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલા અલ્બર્ટો વાવાઝોડાના કારણે મિસિસિપિ, અલ્બામા અને ફ્લોરિડામાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
૪,૨૦૦ ઘરો ખાલી કરી દેવામાં આવ્યા
– રવિવારે વાવાઝોડાંની આગાહીના પગલે ફ્રેન્કલિન કાઉન્ટીમાં કામચલાઉ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ફ્લોરિડા પેનહેન્ડલમાં ૪,૨૦૦ ઘરો ખાલી કરી દેવામાં આવ્યા હતા.
– વર્ષ ૨૦૧૮નું આ પહેલું વાવાઝોડું છે જેને નામ આપવામાં આવ્યું હોય. આ વર્ષની શરૂઆતથી જ અમેરિકામાં હરિકેન સિઝન શરૂ થઇ હતી. અલ્બર્ટો સોમવારે નોર્થ યુએસ ગલ્ફ કોસ્ટમાં ત્રાટકે તેવી આશંકા છે.
– ગલ્ફ કોસ્ટમાં વાવાઝોડાંના કારણે ૪થી ૧૪ ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી છે.
– વાવાઝોડાંની શરૂઆત કેરેબિયન સીથી થઇ હતી. જેના કારણે મેક્સિકો, ક્યુબા, ફ્લોરિડા અને યુએસ ગલ્ફ કોસ્ટમાં ભારે વરસાદ, જમીન ધસી પડવા અને પૂરની સ્થિતિ સર્જાઇ છે.
– ફ્લોરિડામાં આજે ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
– અલ્બર્ટો ચક્રવાત ૧૦૦ કિમી/કલાકની ઝડપે ત્રાટક્યું છે અને હાલ નોર્થ ગલ્ફ ઓફ મેક્સિકો તરફ આગળ વધી રહ્યું છે.