(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૩
અમેરિકામાં વિઝાની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં રહેનારાઓની સંખ્યામાં ભારતીયોની સંખ્યા બીજા દેશો કરતાં વધુ છે. અમેરિકી વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ ર૦૧૭માં વિવિધ કેટેગરી હેઠળ અમેરિકામાં ભારતથી આવેલા નાગરિકો વધુ હતા. વિઝાની મુદ્દત પુરી થવા છતાં અમેરિકામાં રહી જનાર ભારતીયોની સંખ્યા ૮૦૬૧થી વધી ૯પ૬૮ થઈ હતી. મોટાભાગના વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ વિઝા મુદ્દત ખતમ થવા છતાં અમેરિકામાં રહ્યા છે. પોલીસ કસ્ટડીના ડાયરેક્ટર પ્રેસ્ટન હુનેકે લખ્યું છે કે ર૦૧૭માં અમેરિકામાં ૪૦ ટકા વિદ્યાર્થીઓ વિઝા મુદ્દત પત્યા પછી રોકાઈ ગયા છે. જેમાં ચીન, ભારત, સઉદી અરેબિયા અને દક્ષિણ કોરિયાના વિદ્યાર્થીઓ છે. હોમલેન્ડ ડિપાર્ટમેન્ટના કહેવા અનુસાર ૪૪૦૦ ભારતીય વિદ્યાર્થીઓના વિઝાની મુદ્દત પૂર્ણ થઈ છે. છતાં તેઓ હજુ અમેરિકામાં રહે છે. તે મુજબ ર૦૧૭માં ૭ લાખ લોકો વિઝા મુદ્દત પૂર્ણ થવા છતાં અમેરિકામાં સ્થાઈ થઈ ગયા છે. આવા લોકોની પ્રવૃત્તિઓ શું છે તેની તપાસ થશે. જો કે તે બહુ ચિંતાનું કારણ નથી.