(એજન્સી) તા.૩
કઠુઆ અને ઉન્નાવ દુષ્કર્મ કેસનો પડઘો હવે અમેરિકામાં પણ પડી રહ્યો છે. અમેરિકામાં આ બંને ભયાવહ દુષ્કર્મ કેસના વિરોધમાં ભારતીય મૂળના અમેરિકનો માર્ગો પર ઊતરી આવ્યા છે અને તેઓ ધારદાર પ્રદર્શનો કરી રહ્યાં છે. ઠેર-ઠેર ભારતીય મૂળના અમેરિકનોએ કેન્ડલલાઇટ માર્ચનું આયોજન કર્યું હતું અને આ મામલે ઝડપી અને નિષ્પક્ષ સુનાવણી હાથ ધરવાની માગણી કરી હતી. જોકે આ દેખાવોનું આયોજન સેન જોશ, સેન ડિએગો અને એફટી. લ્યુડરેલ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં સેંકડોની સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકીઓ સામેલ થયા હતા. અહીં લોકોએ ભારતીય સરકાર દ્વારા આ બંને કેસમાં કરવામાં આવી રહેલી કાર્યવાહી સામે પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. માર્ચમાં લોકોએ કહ્યું હતું કે દુષ્કર્મ કેસને મહિનાઓ વીતી ગયા છતાં ભારત સરકાર આ મામલે યોગ્ય રીતે તપાસ તો કરી શકી જ નથી. જોકે તમને જણાવી દઈએ કે ગત કેટલાક પહેલા વોશિંગ્ટન ડીસી, ન્યુયોર્ક, ન્યુજર્સી, બાલ્ટીમોર, બોસ્ટન, સિએટલ, રાલેગ અને મિનેપોલિસ ખાતે પણ આવા જ દેખાવાનું આયોજન કરાયું હતું. જેમાં મોટાપાયે ભારતીય મૂળના અમેરિકનો જોડાયા હતા. નોંધનીય છે કે ચાલુ વર્ષની શરુઆતમાં જ જાન્યુઆરી મહિનામાં કઠુઆ દુષ્કર્મની ઘટના બની હતી. જ્યાં એક આઠ વર્ષની માસૂમ બાળાનું કેટલાક લોકો દ્વારા અપહરણ કરી લેવાયું હતું. જ્યાં તેને એક મંદિરમાં કેદ કરી રખાઇ હતી અને ઘણાં દિવસો સુધી તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બાળકી બકરવાલ સમુદાયની હતી. જોેકે ચાર્જશીટ અનુસાર આ કૃત્યમાં જે લોકો પણ સામેલ હતા તેઓ બકરવાલ સમુદાયના લોકોને ભયભીત કરવા માગતા હતા. તેઓ તેના માટે અભિયાન ચલાવી રહ્યાં હતા. જોકે ચાર્જશીટને દાખલ થતાં પણ અનેક લોકો દ્વારા અટકાવવામાં આવી હતી. જોકે ઉન્નાવ મામલે ભાજપના શક્તિશાળી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર આરોપી છે. તેના પર એક કિશોરીનું દુષ્કર્મ કરવાનો આરોપ છે. જોકે પોલીસ ફરિયાદ થયા બાદ તેના પિતાની હત્યા કરાવી નાખવાનો પણ આરોપ છે.
કઠુઆ અને ઉન્નાવ સામૂહિક દુષ્કર્મ કેસના વિરોધમાં ભારતીય મૂળના અમેરિકનોએ દેખાવો કર્યા, સરકારની કાર્યવાહીને પણ વખોડી

Recent Comments