(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૧
આણંદ શહેરનાં મૂળ નિવાસી યુવકની અમેરિકામાં મોેટેલમાં લૂંટનાં ઈરાદે ત્રાટકેલા અશ્વેત હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરતા સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી છે, યુવકની અંતિમક્રિયા અમેરિકામાંજ કરવામાં આવનાર છે,અને તેઓનાં માતા-પિતા અંતિમયાત્રામાં સામેલ થવા માટે અમેરિકા જવા રવાનાં થનાર હોવાનું જાણવા મળેલ છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં લાંભવેલ રોડ પર રહેતા અને આણંદ આર્ટસ કોલેજનાં નિવૃત્ત આચાર્ય રમેશભાઈ તલાટીનો એકનો એક પુત્ર દસ વર્ષ પૂર્વે અમેરિકા ગયો હતો,અને તેણે મૂળ સુરતનાં પરિવારની યુવતી મિતલ સાથે અમેરિકામાં લગ્ન કર્યા હતા,અને તે છેલ્લા દસ વર્ષથી નોર્થ કેરોલીનાં રાજયનાં ફ્રેટવીલ ટાઉનમાં પત્ની મિતલ અને આઠ વર્ષનાં પુત્ર જય સાથે સ્થાયી થયો હતો,અને મોટેલનો વ્યવસાય કરતો હતો,અમેરિકાનાં સમય અનુસાર ગુરૂવારે તે પોતાનાં મોટેલ પર હતો,ત્યારે અજાણ્યા અશ્વેત હુમલાખોરોએ લુંટનાં ઈરાદે મોટેલ પર હુમલો કર્યો હતો,અને લુંટનો પ્રયાસ કરતા આકાસ તેમજ તેનાં અન્ય ત્રણ સાથી કર્મચારીઓએ લૂંટારૂઓને પડકારતા તેઓને લુંટારૂઓ સાથે ઝપાઝપી થતા અશ્વેત લુંટારૂએ પોતાની પાસેની ગનમાંથી આડેધડ ફાયરીંગ કરતા જેમાં આકાસ અને ત્રણ કર્મચારીઓને ગોળીઓ વાગતા તેઓ લોહીથી લથપથ થઈ ઢળી પડતા લુંટારૂઓ લુંટ કરી ફરાર થઈ ગયા હતા,ઘટનાની જાણ થતા નોર્થ કેરોલીનાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા જેમાં આકાશ ઉ.વ.૪૦નું ઘટનાસ્થળેજ મોત નિપજયું હતું,જયારે અન્ય ઘાયલ ત્રણને ત્વરીત સારવાર માટે સ્થાનિક હોસ્પીટલમાં ખસેડયા હતા,જયાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
આ ઘટનાની જાણ આણંદ ખાતે આકાસનાં વૃદ્ધ માતા-પિતા રમેશભાઈ તલાટી અને માતા અનીલાબેનને મળતા તેઓ પર વ્રજઘાત થયો હતો,અને વૃદ્ધાવસ્થામાં તેમની ટેકણ લાકડી જેવા યુવાન પુત્રને ગુમાવતા દંપતીએ ભારે કલ્પાંત મચાવ્યું હતું,આ ઘટનાને લઈને તેઓનાં મિત્રો અને સગાસંબધીઓ પણ રમેશભાઈનાં નિવાસ સ્થાને દોડી આવ્યા હતા,અને વૃદ્ધ દંપતીને સાંત્વના પાઠવી હતી.
આકાસની બહેન અને તેનો પરિવાર અમેરિકાનાં ન્યુજર્સીમાં સ્થાઈ થયેલ છે,જેને એકનાં એક ભાઈની હત્યાનાં સમાચાર મળતા તેણી ન્યુજર્સીથી નોર્થ કેરોલીનાં જવા રવાનાં થઈ ગઈ છે.