(એજન્સી) કેન્ટુકી, તા. ૧૦
એક મુસ્લિમ પિત્ઝા ડિલિવરી ડ્રાઇવરના પિતાએ એવી વ્યક્તિને માફ કરી ગળે લગાવી છે જે તેમના પુત્રની હત્યામાં સામેલ હતો અને તેને જેલની સજા સંભળાવવામાં આવી હતી. ટોચની સમાચાર એજન્સી અનુસાર મંગળવારે સજા દરમિયાન અબ્દુલકરીમ સોમ્બટ જિમતમુદે ટ્રે એલેકઝાન્ડર રેલફોર્ડને ગળે લગાવી લીધો હતો. પિતાએ કહ્યું કે, તેમણે ‘ઇસ્લામની ભાવનામાં આમ કર્યું છે. ઇસ્લામ એ જ શીખવાડે છે કે, અલ્લાહ કોઇ વ્યક્તિને ત્યાં સુધી માફ નહીં કરે જ્યાં સુધી જે વ્યક્તિ ગુનેગાર હોય અને તે તેને માફ ના કરી દે. તેમણે રેલફોર્ડને કહ્યું હતું કે, માફી માટે અલ્લાહના દરવાજા હંમેશાં ખૂલ્લા છે. તમારી પાસે સારા જીવનનો નવો અધ્યાય છે.’
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૧૫માં સલ્હુદ્દીન જિટમોદ પિત્ઝા હટ ડિલિવરી ડ્રાઇવરના રૂપમાં પોતાની નાઇટની અંતિમ ડિલિવરી પહોંચાડી રહ્યો હતો ત્યારે લેક્સિંગ્ટન, કેન્ટુકીમાં એક એપાર્ટમેન્ટ પરિસરમાં તેની લૂંટ કરી છરાના ઘા મારવામાં આવ્યા હતા. તેનો મૃતદેહ બ્રિજવેમાં મળી આવ્યો હતો. અહેવાલો અનુસાર આ અપરાધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ એક ટોચની જ્યુરીએ ફક્ત રેલફોર્ડ સામે જ ખટલો ચલાવ્યો હતો. અધિકારીઓ અનુસાર રેલફોર્ડે લૂંટની યોજના બનાવી હતી પરંતુ જિટમોર્ડની હત્યા કરવાનો ઇન્કાર કર્યો હતો. જિટમોર્ડની હત્યાના આરોપમાં છેડછાડ કરવા, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ, હત્યામાં ભાગીદારી, હત્યામાં સાથ આપવા બદલ દોષિત ઠેરવતાં રેલફોર્ડને ૩૧ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જિમતમુદના પિતાએ જણાવ્યું હતું કે, સલ્લુદ્દીન અને તેની માતા તરફથી પણ રેલફોર્ડને માફી અપાવી દીધી છે જે પુત્રના બે વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા. જિટમોડે રેલફોર્ડને અદાલતમાં જણાવ્યું હતું કે, હું શૈતાન પર નારાજ છું જે તમને ખોટા માર્ગે દોરે છે અને તમને આ પ્રકારના ભયાનક અપરાધ કરવા માટે પ્રેરે છે. હું તમારા પર દોષ મઢતો નથી, હું તમારાથી નારાજ પણ નથી અને તમને માફ કરૂં છું. તેમણે જણાવ્યું હતું કે, તેઓ મનની શાંતિ માટે કુર્આન પઢે છે. કુર્આનના નવમાં પારામાં ૫૧મી આયાતમાં ઝીક્ર છે જે સૌથી વધારે શાંતિ આપે છે જેનો અર્થ એ થાય છે કે, ‘‘કહા; અલ્લાહે અમારા માટે નિર્ણય સંભળાવ્યો છે કે તે ચાહશે નહીં ત્યાં સુધી અમને મારી નહીં શકાય.અને તે જ અમારો રક્ષક છે અને અલ્લાહ પર અમે સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ.’’ સજા બાદ જિટમોદે રેલફોર્ડના કાનમાં કહ્યું કે, તે જેલમાંથી બહાર આવીને સારા કામો કરે અને તેમને વિશ્વાસ છે કે, અલ્લાહ તેને માફ કરી દેશે.