(એજન્સી) તા.૧૨
ભારત હવે વધુને વધુ આંતરરાષ્ટ્રીય સમુદાયના રડાર પર છે અને કોઇ સારા કારણો માટે રડાર પર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવાદાસ્પદ ઘરેલુ એજન્ડાની તે પછી કાશ્મીરની સ્થિતિ હોય કે નાગરિકતા સુધારા વિધેયક હોય પરંતુ અમેરિકા અને યુરોપમાં તેની સતત આલોચના થઇ રહી છે. ભારત દ્વારા જે એક સદ્‌ભાવના ઊભી કરવામાં આવી હતી તે શ્રેષ્ઠ રાજદ્વારી પ્રયાસો છતાં પશ્ચિમના પાટનગરોમાં તેનું ધોવાણ થઇ રહ્યું છે. મંગળવારે ઇન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ પરના યુએસ કમિશને (USCIRF) જણાવ્યું હતું કે વોશિંગ્ટને જો નાગરિકતા સુધારા વિધેયક સંસદના બંને ગૃહોમાં પસાર થાય તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર પ્રતિબંધ મૂકવા માટે વિચારવું જોઇએ.
જો કે અમેરિકન કોંગ્રેસ USCIRFને ગંભીર ગણતી નથી. પરંતુ ભારતની આંતરરાષ્ટ્રીય છબી ખરડાઇ છે એ વાતનો કોઇ ઇનકાર કરી શકે તેમ નથી. એવી વાતો ચાલે છે કે મોદી સરકાર મુસ્લિમોને ઉતરતી કક્ષાના નાગરિકો બનાવવા માટે જુદી રીતે નિશાન બનાવે છે. ધ હાઉસ ફોરેન અફેર્સ કમિટીએ ટ્‌વીટર પર જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા વિધેયક ધાર્મિક બહુલતાવાદનું અવમૂલ્યન કરે છે કે જે આપણા કોર મૂલ્યોના ભાગરુપ છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખમાં પણ જણાવાયું છે કે ભારત મુસ્લિમો માટે નાગરિકીકરણની પ્રક્રિયા બંધ કરવાની તૈયારીમાં છે. ભારતને એક અન્ય ફટકામાં અમેરિકન કોંગ્રેસ સાંસદ પ્રમિલા જયપાલે ગત સપ્તાહે કાશ્મીર પર એક ઠરાવ રજૂ કરીને ભારત સરકારને કાશ્મીરમાં સંચારબંધી સહિત જે પ્રતિબંધો છે તે તાત્કાલિક ઉઠાવી લેવા માટે જણાવવું જોઇએ એવો અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે અમેરિકામાં ભારતીયોમાં આવા વિવિધ મુદ્દાઓ પ્રત્યે સંવાદિતા અને સંકલનનો અભાવ છે. જરુર છે અમેરિકાના ભારતીયોએ સંગઠિત થવાની.