અમદાવાદ, તા.૧૭
અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે જેને લઈને અમેરિકાની એજન્સીઓ અને તેમની સીક્યોરિટીની અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમ્યાન આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન એરફોર્સનું એક વિશાળ અને ધ્યાન ખેંચતુ હરક્યુલીસ વિમાન આવી પહોંચ્યું હતું. આ વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો હતો. ખાસ કરીને ટ્રમ્પની ફૂલપ્રૂફ સુરક્ષાથી સજ્જ હાઇટેક બ્લેક એસયુવી કાર આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. ટ્રમ્પના કાફલામાં ગાડીઓ અને અન્ય સિક્યુરિટી જેવા કે સ્નાઇપર અને ફાયર સેફટી સિસ્ટમ અને સ્પાય કેમેરા સહિતની વસ્તુઓ વિમાનમાં લાવવામાં આવી હોવાનું મનાય છે. ત્યારે હરકયુલીસ વિમાનમાં ટ્રમ્પની સુરક્ષાની કાર પણ આવી છે અને તે અમદાવાદના માર્ગો પર નજરે પડી હતી. આ બ્લેક હાઇટેક અને ફૂલપ્રૂફ સુરક્ષાથી સજ્જ કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ બ્લેક કારના બુલેટપ્રુફ બ્લેક કાચ, કારના વિશાળ અને પહોળા ટાયર તેમાં તમામ પ્રકારની સુવિધા અને સુરક્ષાત્મક ઉપકરણો અને લાઇટો સહિતના ફિચર્સ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બીજીબાજુ, ટ્રમ્પની મુલાકાતને લઇ અમદાવાદ એરપોર્ટના તમામ રસ્તાઓ પર યુદ્ધના ધોરણે નવીનીકરણ અને રિપેર થઇ રહ્યા છે. આ માટે દિલ્હીથી ખાસ મશીનો પણ મંગાવવામાં આવ્યા છે અને વધારાના મજૂરોને કામે લગાડી રોડ-રસ્તાઓ તૈયાર થઇ રહ્યા છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી મુલાકાતને લઇ અમેરિકન સિક્રેટ સર્વિસનાં ૧૮ જેટલા અધિકારીઓએ રવિવારના રોજ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.
મોટેરા સ્ટેડિયમ ખાતે આવેલી ૫ ગાડીઓ પૈકી એક મોટી ગાડીમાંથી ૧૦ યુએસ અધિકારી તેમજ અન્ય ચારમાંથી ૮ એમ ૧૮ અધિકારીઓ આવ્યા હતા જેઓએ મોટેરા સ્ટેડિયમની અંદર તેમજ બહારની સાઈડથી સઘન ચેકિંગ કર્યું હતું. ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર યુએસથી ટ્રમ્પ પ્રવાસ માટેનો સામાન લઇને એક હરક્યુલીસ પ્લેનનું પણ ઉતરાણ થતાં ઉત્તેજના વધી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે એક કાર વિશેષ પ્રકારે આજે યુએસથી આવેલા એરફોર્સ વિમાનમાં આવી છે. આ કારની નંબર પ્લેટ પર પણ યુએસ ગવર્મેન્ટ ફોર ઓફિશિયલ યુઝ ઓન્લી લખવામાં આવ્યું છે.