(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ રાજયભરમાં ચર્ચા અને ઉત્કંઠાનો માહોલ છે અને સરકારી તંત્ર પણ તડામાર તૈયારીઓ સહિતની કામગીરીમાં વ્યસ્ત છે. ત્યારે આ તૈયારીઓ વચ્ચે પણ રાજયમાં અમેરિકન એમ્બેસી ખોલવાની વર્ષો જૂની માગણી કરી યાદ કરી અમેરિકન પ્રમુખ સમક્ષ કરવા માટેનો તખ્તો ઘડવાની વાત વહેતી થઈ છે. એટલે કે કેન્દ્ર સરકાર મારફત ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વેળા આ દરખાસ્ત કરવામાં આવે તેવી રાજય સરકાર તરફથી રજૂઆત કરાઈ રહી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારતની મુલાકાત માટે આવી રહ્યા છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે માગણી કરવામાં આવી છે કે, ગુજરાતમાં અમેરિકન કોન્સ્યુલેટ સ્થાપવા માટે અમેરિકા સાથે વાત કરવામાં આવે. ઘણાં વર્ષોથી પેન્ડિંગ આ મુદ્દાને રાજ્ય સરકાર દ્વારા ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે ઉઠાવવામાં આવતા મહત્વ મળી શકે છે. અમેરિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે, જેને ધ્યાનમાં રાખીને આ માગણી કરવામાં આવી છે.
અમેરિકામાં વસતા ભારતીયોમાં સૌથી વધારે સંખ્યા ગુજરાતીઓની છે. તેમજ હાલના સમયમાં પણ અનેક ગુજરાતીઓ અમેરિકાના વિઝા માટે એપ્લાઈ કરે છે. તેના માટે તેમણે મુંબઈ ેંજી કોન્સ્યુલેટમાં જવું પડે છે. રાજ્ય સરકારના એક અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ અમેરિકન સરકાર સામે વર્ષોથી પેન્ડિંગ ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગરમાં ેંજી કોન્સ્યુલેટ અને વિઝા સેન્ટર ખોલવાની માગણી રજૂ કરે. જેથી અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓએ દર વખતે મુંબઈ જવાની ફરજ પડે નહી.
હાલમાં ભારતમાં અમેરિકાના કોન્સ્યુલેટ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતામાં છે. ગુજરાત, દીવ-દમણ અને દાદર નગર હવેલીમાંથી અમેરિકાના વિઝા અપ્લાઈ કરવા લોકોએ મુંબઈ જવું પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા બંને દેશમાં વસતા ગુજરાતીઓ દ્વારા ઘણાં લાંબા સમયથી અમેરિકા પાસે ગુજરાતમાં અમદાવાદ અથવા ગાંધીનગરમાં કોન્સ્યુલેટ શરૂ કરવાની માગણી કરી રહ્યા છે.