(એજન્સી) તા.ર૬
અમેરિકાના એક ટોચના અધિકારીએ હિમાલય ક્ષેત્રમાં તેમજ દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનના લશ્કરી દાવપેચ વચ્ચે સરખામણી કરતા કહ્યું હતું કે ચીન ડોકલામ વિસ્તારમાં ધીમેથી તેની પ્રવૃત્તિઓ વધારી રહ્યા છે. પરંતુ ભૂતાન તેમજ ભારત બંને આ પ્રવૃત્તિઓને રોકવાની ઈચ્છા ધરાવતા નથી. ઉલ્લેખનીય છે કે ચીન સમગ્ર દક્ષિણ ચીની સમુદ્ર પર તેની માલિકીનો દાવો કરી રહ્યું છે. અમેરિકાના પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા એલિસ જી. વેલ્સે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું માનું છુ ંકે, ભારત તેની ઉત્તરી સરહદોનું મક્કમતાથી રક્ષણ કરી રહ્યો છે અને તે ભારત માટે ચિંતાનો વિષય પણ છે. આ ચર્ચા દરમિયાન કાર્યક્રમમાં હાજર રહેલા અમેરિકન કોંગ્રેસ સભ્ય એન વેગનરે ડોકલામ વિશે કહ્યું હતું કે, જો કે બંને દેશોએ ડોકલામમાં પીછેહઠ કરી છે છતાં ચીન ધીમેથી ત્યાં તેની પ્રવૃત્તિઓ વધારી રહ્યો છે અને ભારત અથવા ભૂતાન બંને આ પ્રવૃત્તિઓને રોકવાની ઈચ્છા ધરાવતા નથી. હિમાલય ક્ષેત્રમાં ચીનની આ પ્રવૃત્તિઓ મને તેની દક્ષિણ ચીન વિશેની નીતિની યાદ અપાવે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષ ૧૬ જૂનથી ર૮ ઓગસ્ટ વચ્ચે ભૂતાનના ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તંગદિલી ખૂબ જ વધી ગઈ હતી.