(એજન્સી) ટોકિયો, તા.૩૦
અમેરિકાએ કહ્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ બાદ જવાબમાં શક્તિપ્રદર્શન માટે અમેરિકી બોમ્બ વર્ષક વિમાનોએ કોરિયાના વિસ્તારો પર ઉડ્ડયન કર્યું હતું. દ.કોરિયા અને જાપાની વાયુસેનાઓના લડાકુ વિમાનો સાથે યુએસ ૧-બી બોમ્બવર્ષક વિમાનોએ ૧૦ કલાક ઉડ્ડયન ભરી મિશનમાં ભાગ લઈ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ ઉ.કોરિયા દ્વારા ગયા શુક્રવારે કરાયેલ બીજા આઈસીબીએમ-બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ પછી કરાયો. આ પરીક્ષણ પછી કીમજોંગ-ઉને કહ્યું કે આ કદમ બતાવે છે કે તેમનો દેશ અમેરિકાનો કોઈપણ ખૂણે હુમલો કરવા સક્ષમ છે.
પેસિફિક એર ફોર્સેજ કમાન્ડર જનરલ ટેરેસેઓ શોનેસીએ કહ્યું કે ઉત્તર કોરિયા હાલમાં ક્ષત્રિય સ્થિતિ માટે મોટો ખતરો બન્યો છે. જરૂર પડે ભારેખમ હથિયારોથી તેનો જવાબ આપવા માટે પસંદના સમયે અને સ્થાન નક્કી કરીશું અને તમામ પક્ષોને સંયમ રાખવા જણાવ્યું છે. ઉ.કોરિયાએ બીજો મિસાઈલ ટેસ્ટ કરી પૂરા અમેરિકાને નિશાન પર લીધું હતું. કીમ જોંગે શનિવારે કહ્યું કે બીજો મિસાઈલ ટેસ્ટ અમેરિકાના ખૂણા સુધી હુમલો કરવા સક્ષમ છે.
પરીક્ષણના કલાકો બાદ વિશ્લેષકોએ કહ્યું કે અમેરિકાના મોટા શહેરો ઉ.કોરિયાના નિશાન પર છે. ઉ.કોરિયાની ન્યુઝ એજન્સીએ કહ્યું કે હોસોંગ-૧૪ મિસાઈલ ૩૭રપ કિ.મી. ઊંચે જઈ જાપાનના સાગરમાં ૯૯૮ કિ.મી. દૂર જઈ પડ્યા બાદ તાનાશાહ કીમે ખુશી વ્યક્ત કરી હતી. મિસાઈલ મોટા પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ છે. પહેલી મિસાઈલ અલાસ્કા સુધી પહોંચી શકે છે. બીજી દૂર સુધી હુમલા માટે સક્ષમ છે.