(એજન્સી) તા.૩૦
ઇરાનની આત્મરક્ષાને ધ્યાન રાખી મિસાઇલો બનાવવાની કામગીરી અને તેનું ઉત્પાદન જારી રાખવામાં આવશે. આ કાર્ય એ આંતરરાષ્ટ્રીય કરારનો ભંગ નથી જે તેને મોટા દેશો સાથે પરમાણુ હથિયાર વિકાસ મુદ્દે કર્યો છે. આ વાત રાષ્ટ્રપતિ હસન રુહાનીએ દેશની સંસદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકાનું ઇરાન વિરોધી આહવાન પણ હાસ્યાસ્પદ છે. ભાષણના અંશોનું પ્રસારણ સરકારી ટેલિવિઝને કર્યુ હતું. રાષ્ટ્રપતિ હસન રુહાનીએ આ નિવેદન ઇરાનના બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ વિરુદ્ધ અમેરિકી સંસદના નીચલા સદનમાં પસાર કરેલ પ્રતિબંધ પ્રસ્તાવ બાદ આપ્યું છે. ઇરાન પર પ્રતિબંધોનો પ્રસ્તાવ ટ્રમ્પ સરકાર તરફથી પ્રતિનિધિ સભામાં મોકલવામાં આવ્યું હતું. રુહાનીએ કહ્યું કે અમે મિસાઇલ બનાવી છે, બનાવી રહ્યાં છે અને બનાવતાં રહીશું. આવું કરવું કોઇપણ આંતરરાષ્ટ્રીય કાયદા કે સમાધાનનો ભંગ નથી. અમને જે પણ હથિયારની જરુર પડશે અમે તેને બનાવીશું અને તેનો ભંડાર પણ તૈયાર કરીશું. જ્યારે પણ જરુર પડશે તેનું દેશહિતમાં ઉપયોગ કરીશું. રુહાનીએ ર૦૧પમાં ઈરાન સાથે થયેલા જોઇન્ટ કોમ્પ્રિહેન્સિવ ઓફ પ્લાન ઓફ એક્શન (જેસીપીઓએ) કરાર મામલે પીછેહઠ કરવા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે અમેરિકા હવે લાંબા ગાળા સુધી કરેલી ચર્ચા સહમતિ બાદ હવે પીછેહઠ કરી રહ્યો છે. તેના પગલાંથી અમેરિકા હવે તેનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે. ભવિષ્યમાં તેની સાથે ચર્ચા કરવા અને કરાર કરતા પહેલા દરેક દેશ વિચારશે કે આગળ ચાલીને ક્યાંક આ કરાર તૂટી તો નહીં જાય. રુહનીએ નામ લીધા વિના ઉત્તર કોરિયા સાથે પડદા પાછળ ચાલી રહેલી અમેરિકાની વાતચીતના પ્રયાસો તરફ સંકેત આપ્યો. ઉલ્લેખનીય છે કે ઇરાનના બેલેસ્ટીક મિસાઇલ પરીક્ષણને સંયુક્ત રાષ્ટ્રના સંકલ્પોનો ભંગ મનાય છે અને દુનિયા માટે ખતરો માનવામાં આવે છે.