(એજન્સી) તા.ર૮
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જેરૂસલેમ અંગેના નિર્ણયના વિરોધમાં હજુ પણ દુનિયાભરમાં દેખાવો યથાવત્‌ જ છે. પેલેસ્ટીન ભડકે બળી રહ્યું છે. જો કે ઈરાકમાં પણ સત્તાવાર અને પોપ્યુલર દેખાવો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં ડેપ્યુટી પાર્લામેન્ટ સ્પીકર હુમામ હામોદીએ કહ્યું કે સમગ્ર ઈરાક પર જેરૂસલેમને ઈઝરાયેલના પાટનગર તરીકે જાહેર કરવા મામલે અમેરિકાનો વિરોધી જ છે. આ નિર્ણય સાંખી નહીં લેવાય. હામૌદીએ કહ્યું કે જેરૂસલેમનો મુદ્દો ફક્ત પેલેસ્ટીન માટે જ ચિંતાનો વિષય નથી આ તો સમગ્ર અરબ અને મુસ્લિમ દેશો માટે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું ઈરાક પેલેસ્ટીનના તમામ લોકોને ભરપુર ટેકો આપવા તૈયાર છે અને અમે અમેરિકા તથા ઈઝરાયેલ વિરોધી દેખાવો ચાલું રાખીશું. ઈરાકી અધિકારીઓએ પેલેસ્ટીન અને ઈરાક વચ્ચે પરસ્પર સંબંધો વધારવા આહ્‌વાન કર્યું છે. ઈરાકમાં વસવાટ કરતાં પેલેસ્ટીની શરણાર્થીઓ અંગે હામોદીએ કહ્યું કે પેલેસ્ટીનના નાગરિકોના અધિકારોને કોઈ છીનવી ના શકે. આ તેમનો અધિકાર છે અને ઈરાક પેલેસ્ટીનના નાગરિકોના અધિકારો પાછા અપાવવા માટે લડી લેવા તૈયાર છે. તેમણે કહ્યું કે જેમ ભૂતકાળમાં પેલેસ્ટીની નાગરિકો તેમના અધિકારોની મજા માણતા હતા તેવી રીતે ભવિષ્યમાં પણ જલદી તેમને તેમના અધિકારો મળશે. ઈરાકી રાષ્ટ્રપતિ ફૌદ મસૂમે ઈરાકમાં વસતા વિદેશીઓ અંગે ર ઓક્ટોબરે એક કાયદો બનાવ્યો હતો. જે જાન્યુઆરી ર૦૧૮થી અમલી બની રહ્યો છે. આ કાયદા અનુસાર પેલેસ્ટીની શરણાર્થીઓની મુસાફરી માટે દસ્તાવેજો, ઓળખપત્ર, મફત શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધાઓ આપવામાં આવશે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઈરાકી વડાપ્રધાન હૈદર અલ અબાદીએ ઈરાકને આઈએસથી સંપૂર્ણપણે મુક્ત કરાવી લેવાની જાહેરાત કરી દીધી હતી. જેના બાદથી ઈરાકમાં સ્થાનિક નાગરિકોની પાછા ફરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.