(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આક્રમક પ્રચારનો દોર આજે બીજા દિવસે પણ જારી રાખ્યો હતો અને કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવ્યા હતા. મંદિરોમાં દર્શન કરવાના રાહુલના મામલે પણ યોગીએ પ્રહારો કર્યા હતા. બે દિવસીય યાત્રાના બીજા દિવસે યોગી કચ્છ જિલ્લાના ભુજ ખાતે પહોંચ્યા હતા. યોગીએ જણાવ્યું હતું કે અમેઠીમાં પ્રજાની સેવા કરવા ન જરાના રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને નૌટંકી કરી રહ્યા છે. ચૂંટણી આવે છે ત્યારે તેઓ ગુજરાતમાં ઈલેશન ટુરિઝમ માટે આવે છે. કોંગ્રેસ વિકાસ વિરોધી પાગલપનનો શિકાર બની છે. વધુમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, વિકાસના મુદ્દા પર ગુજરાતની ભાજપ સરકાર સામે આંગણી ઉઠાવવાનો તેમને કોઇ અધિકાર નથી. તેમને આશ્ચર્ય થાય છે કે ૫૫ વર્ષ સુધી દેશમાં શાસન કરનાર અને વિકાસથી દેશથી વંચિત રાખનાર લોકો આજે વિકાસની વાત કરી રહ્યા છે. જો આજે દેશમાં ગરીબી, આતંકવાદ, નક્સલવાદ જેવી સમસ્યા છે તો આના માટે કોંગ્રેસ જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે, પ્રોજેક્ટોના નામે કોંગ્રેસે જમીન લીધી હતી પરંતુ મોડેથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપી દીધી હતી. રામ અને કૃષ્ણનું અસ્તિત્વ ન હતું તેમ દર્શાવનાર સેતુસમુદ્રમ પ્રોજેક્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કોંગ્રેસ દ્વારા દાખલ કરાઈ હતી. ભગવાન કૃષ્ણનું જો અસ્તિત્વ નથી તો દ્વારકાધીશના મંદિરમાં રાહુલ શું કરી રહ્યા હતા તેવો પ્રશ્ન રાહુલને પૂછી શકાય છે. યોગીએ કહ્યું હતું કે, તેઓ વિકાસના સમર્થક નહીં પરંતુ વિનાશના સમર્થક છે. એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે સુરક્ષા દળોએ ઇશરત જહાં જેવી ત્રાસવાદીને ઠાર મારી દીધી હતી ત્યારે રાહુલ ગાંધી તેમના સમર્થનમાં આવ્યા હતા. પોતાના મત વિસ્તારની પણ રાહુલ સતત અવગણના કરતા રહ્યા છે. જ્યારે કોઇ વ્યક્તિ પોતાના મતવિસ્તારમાં કલેક્ટરોરેટની ઓફિસ પણ બનાવી શકે નહીં ત્યારે ગુજરાતના વિકાસની આશા કઈ રીતે કરી શકાય છે. બીજી બાજુ એક વાતચીત દરમિયાન યોગીએ કહ્યું છે કે, ભાજપ ગુજરાતમાં સરળતાથી ૧૫૦થી વધુ સીટો જીતી શકે છે.