(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
મુખ્યમંત્રી વિજય રૂપાણી જસદણની ચૂંટણી જીત્યા બાદથી ફૂલ ફોર્મમાં આવી ગયા છે. આમેય છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસને ભાંડવા માટેની કોઈ તક જતી કરતા નથી. ત્યારે આજે પણ તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન તાકી પ્રહારો તો કર્યા પરંતુ જોશમાંને જોશ આપેલ નિવેદનથી આડકતરી રીતે સરકારની જ કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થતાં રાજકીય આલમમાં ચર્ચા શરૂ થઈ જવા પામી હતી. મુખ્યમંત્રીએ આજે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીના અમેઠીમાંથી બેકારો ગુજરાતમાં આવી રોજગાર મેળવે છે આ નિવેદન આપતી વખતે રૂપાણી ભૂલી ગયા હતા કે, અમેઠી યુપીનો જ હિસ્સો છે અને ત્યાં ભાજપની જ સરકાર છે એટલે કે તેમના કહેવા મુજબ યુ.પી.માંથી બેકારો ગુજરાતમાં રોજગારી અર્થે આવે છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સુરત સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે એપ્રેન્ટિસ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસ કરારપત્રો-રોજગારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રોજગાર મુદ્દે કોંગ્રેસ હંમેશા ભાજપને ઘેરવાનો પ્રયાસ કરતી રહી છે. ભાજપ જાણે છે કે, આ મુદ્દે આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પૂરજોશમાં લોકો વચ્ચે જઈ સરકારને પ્રશ્નો પણ કરશે. સુરત ખાતે આવેલા મુખ્યમંત્રીએ યુવાનોને રોજગારી ન આપવા બાબતે જવાહર લાલ નહેરુથી માંડી રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓ ગુરૂવારે રોજગારી મુદ્દે આક્રમક રૂપમાં જોવા મળ્યા હતા. એપ્રેન્ટિસ ભરતી મેળાના કાર્યક્રમમાં અંદાજે ૨૩૦૦ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાની સરકારના એક વર્ષ પૂર્ણ થયાની ઉપલબ્ધિઓ ગણાવી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યા હતા.
નહેરૂ પર શાબ્દિક પ્રહાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “યુવાન હતો તો સાંભળતો ત્યારે નારા લાગતા હતા કે ગરીબી હટાઓ, ભ્રષ્ટાચાર હટાઓ નહેરુ કહેતા આરામ હરામ હૈ..અરે નારા દિયા હૈ તો કામ તો દીજીયે ત્યારે યુવાનો કહેતા ઇન કરોડો હાથો સે મત કિજીએ મજાક, ઇસસે અચ્છા અપની જીભ કો લગામ તો દીજીએ..” સીએમએ જવાહરલાલ નહેરુ જ નહીં રાહુલ ગાંધીને પણ આજે છોડ્યા નહીં. તેઓએ રોજગારી મુદ્દે રાહુલ ગાંધીને ઘેરતા કહ્યું કે, ૫૫ વર્ષ કોંગ્રેસે શાસન સંભાળ્યું અને બેરોજગારોની સંખ્યા વધતી ગઈ. અન્ય રાજ્યોના લોકો અહીં રોજગાર માટે આવે છે એનો અર્થ છે કે અહીં ગુજરાતમાં રોજગારીની તક છે. બિનગુજરાતીઓ પણ અહી રોજગારી મેળવે છે. રાહુલ ગાંધીના અમેઠીમાંથી પણ બેરોજગારો અહીં આવી રોજગારી મેળવે છે. અને રાહુલ ગાંધી બેરોજગારીની વાતો કરે છે. પેપર લીક મુદ્દે તેઓએ કહ્યું કે, કોંગ્રેસે ૧૦ વર્ષ સુધી સરકારી નૌકરીની ભરતી કરી ન હતી ૧ લાખ સરકારી અને અર્ધ સરકારીની ભરતી અમે કરી છે, તે પણ પારદર્શી રીતે કોંગ્રેસના રાજમાં લોકો રૂપિયા આપતા હતા. અમે એક રૂપિયાના ભ્રષ્ટાચાર વગર રોજગારી આપી છે. ખોટા લોકો પરીક્ષામાં પાસ ન થઈ જાય તે માટે પેપર રદ્દ કરી અને તપાસ એટીએસને સોપવામાં આવી છે.