(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૮
પાકિસ્તાનમાં ઈમરાનખાનનો પક્ષ તહેરીક-એ-ઈન્સાફ સૌથી મોટો પક્ષ જાહેર થયો છે. તેની સાથે જ પૂર્વ ક્રિકેટર અને પીટીઆઈ અધ્યક્ષ ઈમરાનખાન આગામી વડાપ્રધાન બને તે લગભગ સુનિશ્ચિત છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોને આમિરખાનનો પાંચ વર્ષ પહેલાનો વાયદો યાદ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૧રમાં એક મીડિયા કાર્યક્રમ દરમિયાન આમિરખાને જાહેરમાં ઈમરાનખાનની રાજનૈતિક જીતના અવસરે પાકિસ્તાન જવાની વાત કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે તમે ચૂંટણી જીતશો ત્યારે હું ચોક્કસ ત્યાં (પાકિસ્તાન) આવી તમારી જીતની ઉજવણી કરીશ. તેમણે ઈમરાનખાનના વિચારો અંગે કહ્યું હતું કે, મને તમારા આદર્શવાદ અને પાકિસ્તાનને લઈને સેવેલ સ્વપ્ન ઘણું ગમ્યું. હું આશા કરું છું કે, પાકિસ્તાનને ખરેખર એવી સરકાર મળે જે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે. કોઈ પણ જે પાકિસ્તાનમાં સમૃદ્ધિ લાવવાનો પ્રયત્ન કરે. આ ફકત પાકિસ્તાન માટે નહીં પરંતુ તમામ માટે યોગ્ય હશે.
આમિરખાનની આ પાંચ વર્ષ જૂની વાતોને ટ્‌વીટર ઉપયોગકર્તાઓએ તુરંત યાદ કરી પ્રશ્ન કર્યા હતા કે શું ખરેખર ઈમરાનખાનને કરેલ વાયદો નિભાવવા પાકિસ્તાન જશે આમિરખાન ?