(એજન્સી) નવી દિલ્હી, તા.ર
૧૧ ઓગસ્ટના રોજ યોજાનારા ઈમરાનખાનના શપથગ્રહણ સમારંભમાં તેમના નજીકના મિત્રો સિવાય અન્ય કોઈ વિદેશી મહેમાનને આમંત્રણ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. આ કાર્યક્રમમાં અભિનેતા આમિરખાન તેમજ પૂર્વ ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોતસિંહ સિદ્ધુને આમંત્રણ અપાયું હોવાના અહેવાલ છે.
આ મુદ્દે આમિરખાને પ્રતિક્રિયા આપી હતી કે તેમને હજુ ઈમરાનખાનના શપથગ્રહણ સમારંભનું સત્તાવાર આમંત્રણ મળ્યું ન હોવાથી તેઓ પાકિસ્તાન નહીં જાય.
જ્યારે પંજાબના કેબિનેટમંત્રી નવજોતસિંહ સિદ્ધુએ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતા તેને સન્માનનો વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગુણવાન વ્યક્તિની પ્રશંસા કરવામાં આવે છે. શક્તિશાળી વ્યક્તિથી બીક લાગે છે જ્યારે ચારિત્ર્યવાન મનુષ્ય પર ભરોસો કરવામાં આવે છે. ખાન ચારિત્ર્યવાન વ્યક્તિ છે. તેમના પર ભરોસો કરી શકાય તેમ છે. આ મુદ્દે સુનિલ ગાવસ્કર અને કપિલ દેવે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી.