(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૪
રાજ્યમાં અનામત અંગેના ઠરાવનો વકરી રહેલો વિવાદ અને તેને લઈને ચાલી રહેલ આંદોલન મુદ્દે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે ભાજપ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ અને આરએસએસનો અનામત ખતમ કરવાનો વર્ષોથી એજન્ડા રહ્યો છે. રાજ્યમાં ભાજપની અનામત વિરોધી માનસિકતા બહાર આવી છે, ત્યારે કોંગ્રેસ રસ્તાથી લઈને સંસદ સુધી અને ન્યાયાલય સુધી લડી લેવાના મૂડમાં હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, આગામી તા.૧૭મીએ અમદાવાદમાં કોંગ્રેસે વિશાળ સંવિધાન બચાવો સંમેલન અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ અને આરએસએસની વિચારધારા પણ સમાજના ગરીબ અને પછાત વર્ગ ઓબીસી, એસસી, એસટી વિરોધી અને મનુવાદી રહી છે. કોંગ્રેસ પક્ષ અનામતને લઇ બંધારણમાં મળેલી જોગવાઇને રદ થવા નહીં દે. એમ જણાવતા અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે ક્યારે જાતિ, ધર્મ અને વર્ગના નામે રાજનીતિ કરી નથી. જ્યારે કોઇ પણ વર્ગને અન્યાય થયો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ હમેશા તમામ ધર્મ અને સમાજ સાથે ઉભો રહ્યો છે. એલઆરડી મુદ્દે કોંગ્રેસ પક્ષની નીતિ અને સ્ટેન્ડ ક્લિયર છે કે ઓબીસી, એસસી અને એસટી માટે બંધારણમાં જે જોગવાઇ કરાઇ છે તે પ્રકારની જ ભરતી પ્રક્રિયા થવી જોઇએ. ભાજપ સરકાર મન ફાવે તેવા અર્થઘટન કરીને બે કોમ અને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઉભુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માંગ છે કે ભાજપ સરકાર આ પરિપત્રની સમીક્ષા કરે કારણ કે આ પરિપત્ર ગેરબંધારણીય છે. તેને રદ કરવો જોઇએ. બિનઅનામત વર્ગમાં પણ અજંપા જેવી સ્થિતિ છે તેને પણ સરકારે સાંભળવી તેનું નિરાકણ કરવુ જોઇએ. એલઆરડી આંદોલનને ૬૬ દિવસ થઇ ગયા છતા ભાજપની સંવેદનહિન સરકારને આ મુદ્દે ફકત રાજનીતિ કરવામાં રસ છે. ગુજરાતમાં વર્ગ વિગ્રહ ઉભો થાય તેવો પ્રયત્ન સરકાર કરી રહી છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે નીતિનભાઇ કોઇ નિવેદન વિજયભાઇને પૂછીને કરે છે કે પછી વિજયભાઇને ડિસ્ટર્બ કરવા કરે છે. ગઇ કાલે મને જાણવા મળ્યુ હતું કે વિજયભાઇ એમ કહ્યુ છે કે આ તમે જ કર્યુ છે. તો તમે જ આનો ઉકેલ લાવો. ભાજપના નેતાઓ પોતાના જ નેતાઓને ખોટા પાડી રહ્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અનામત અને બિન અનામત મુદ્દે કોંગ્રેસ પક્ષ પોતાનો મત સ્પષ્ટ કરવા માગે છે. કોંગ્રેસ પક્ષ દરેક સમાજના વર્ગ સાથે રહ્યો છે. ગરીબ, પછાત વર્ગ અને ઓબીસી , એસસી અને એસટી તેમજ બિન અનામત વર્ગમાં પછાત રહેલા વર્ગના લોકોને સમાન ધારામાં લાવવાનું કામ કોંગ્રેસ પક્ષે કર્યુ છે. પરંતુ ભાજપ મુળીવાદી અને મનુવાદી વૃતિ આગળ કરી સમાજમાં ભાગલા પાડી રહી છે. સરકારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે આ ઠરાવ બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ભાજપ રાજ્ય અને દેશમાંથી અનામત પ્રથા નાબુદ કરવાની કૌશિશ કરી રહી છે.