(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧ર
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. આથી આ બેઠક જીતવા બન્ને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવા ચાર ઉમેદવારોના નામની પેનલ બનાવી છે. જેમાં બે કોળી અને બે પાટીદાર ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી હરકતમાં આવી છે. આ મામલે કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ઉમેદવારની આખરી પસંદગી આ ચાર લોકોમાંથી કરવામાં આવશે. આગામી બેથી ત્રણ દિવસમાં કોંગ્રેસના હાઇકમાન્ડ તરફથી ઉમેદવાર અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જે બાદમાં કોઈ એક ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. ચાર લોકોની પેનલમાં ભોળાભાઈ ગોહિલ, અર્ચન નાકિયા, ધીરજ શિંગાળા અને ગજેન્દ્ર રામાણીના નામનો સમાવેશ થાય છે. આ ચાર નામમાંથી અર્ચન નાકિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી ગજેન્દ્ર રામાણીને પણ તક આપી શકે છે. જસદણની બેઠક પર ઉમેદવારની પસંદગી અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયાને કહ્યું હતું કે, “જસદણ બેઠક પર દાવેદારી કરનાર તમામ લોકોએ પક્ષને જીતાડવાની નેમ વ્યક્ત કરી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર(કુંવરજીભાઈ બાવળિયા)ના પક્ષ પલટાને કારણે લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. મતદારો પણ ભાજપ સરકારથી કંટાળીને કોંગ્રેસને જીતાડવા માટે મન બનાવી ચૂક્યા છે. એટલું જ નહીં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને હરાવવા માટે ખુદ કોંગ્રેસના મોટા નેતાઓ પણ તૈયાર છે. ભાજપના મોટા નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે.” જસદણ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે.