અમદાવાદ, તા.૧૯
રાજ્યની ભાજપ સરકારે રજૂ કરેલું લેખાનુદાન એકદમ ચીલાચાલુ રૂટીન પ્રકારનું છે. કોઈ નવી યોજના કે નવા પ્રોજેક્ટની કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવી નથી માત્રને માત્ર સરકારે પોતાની પ્રશંસા કરવાનું પ્રયોજન આ બજેટ દ્વારા કર્યું છે, એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે. કેન્દ્ર સરકારના બજેટમાં ખેડૂતો માટેની જે ઈનપુટ સહાયની વાત કરવામાં આવી છે. જેમાં મોટો દાવો કરીને ગુજરાતના ૪૦ લાખ ખેડૂતોને લાભ મળશે. તેવું કહ્યું પરંતુ વાસ્તવમાં રોજના રૂા.૧૭ લેખે જુજ આ સહાય ખેડૂત વર્ગની મજાક સમાન છે. તેમ છતાં ગુજરાતના નાણામંત્રી તેમાં પોતાની બડાઈ હાંકવાનું ચૂકતા નથી. શિક્ષણ પાછળ ફક્ત ૨% થી ઓછો ખર્ચ ૨૦૧૨થી ૨૦૧૯ સુધી કરવામાં આવેલ છે. જે ખરેખર પ્લાનીંગ કમિશનની તાલીમ અનુસાર વર્ગના ૬% હોવો જોઈએ. ગુજરાત સરકારના દેવા ઉત્તરોતર વધી રહ્યા છે. જેમાં અંદાજીત મહેસૂલી ખર્ચના ૧૮% જેટલી રકમ ફક્ત વ્યાજ ચૂકવણીમાં જ વપરાય જાય છે. સરકાર જૂનું દેવું ચૂકવવા નવાં દેવા કરી રહી છે. અગાઉના વર્ષમાં CAGના રીપોર્ટ જોઈએ તો મોટા ભાગના વિભાગોમાં ફાળવેલ નાણા પૂરતા પ્રમાણમાં વપરાતા નથી. દર વર્ષની માફક જોઈએ તો મહેસૂલી ખર્ચમાં જ બધું બજેટ વપરાઈ જાય છે અને નથી કોઈ અસ્કયામતો ઊભી કરવામાં આવતી કે જેના વડે રોજગારીના નવા સંશાધનો પેદા કરી શકાય.