(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ર૭ સપ્ટેમ્બરથી પોરબંદર અને દાંડીથી શરૂ થયેલી ગાંધી સંદેશ યાત્રા આગળ વધતા સુરતથી આગળ અને ધોરાજી ખાત. પહોંચતા માર્ગમાં બંને યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ પ્રસંગે ગાંધી વિચારધારાને ખતમ કરીને ગોડસેની વિચારધારાને દેશમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેની સામે મજબૂત સંદેશ આપવાનો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધીની ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડીથી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રાના બીજા દિવસે સુરતથી આગળ વધતાં પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધી વ્યક્તિ નહોતા, વિચાર હતાં. વ્યક્તિ મૃત્યુ પામે છે પરંતુ વિચાર ક્યારેય મૃત્યુ પામતો નથી.આજના શાસકો દ્વારા અંગ્રેજોને પણ શરમાવે તેવા કાયદા કાનૂન શરૂ કરવામાં આવ્યા છે. જમીન સંપાદન કાયદાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે, ખેડૂતોની મહામૂલી જમીન લેવામાં આવી રહી છે અને તેનું વળતર પણ આપવામાં નથી આવતું. સિંચાઈના કાયદા, મોટર વ્હીકલ એક્ટના નામે મોટો દંડ વસૂલવાની કાર્યવાહી થઈ રહી છે, ગુજરાતમાં લોકોને ડરાવવાનો, દબાવવાનો, ધમકાવવાના પ્રયત્ન થઈ રહ્યો છે.
દાંડીથી શરૂ થઈને સુરત ખાતે વિરામ લીધા બાદ સતત બીજા દિવસે ગાંધી સંદેશ યાત્રામાં મોટી સંખ્યામાં બાઈક ચાલકો જોડાયા હતા. કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને ગાંધી વિચાર માટે કામ કરતા અનેક મહાનુભાવો જોડાયા હતા અને કોંગ્રેસના આ પ્રયાસને અભિનંદન આપ્યા હતાં. સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં તથા અંકલેશ્વર શહેરમાં આ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
જ્યારે પોરબંદરથી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રા બીજા દિવસે ધોરાજી ખાતે પહોંચતા મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો, કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગાંધી વિચાર આધુનિક સમયની માંગ છે તે સમયે અંગ્રેજો સામે ‘અસમાનતા’, ‘શોષણ’, ‘અત્યાચાર’ સહિતના અનેક મુદ્દે. ‘જન આંદોલન’ કરી દેશને ગુલામીમાંથી મુક્ત કરી આઝાદ હિંદુસ્તાનની સ્થાપના કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ભારત અને રાજ્યના શાસકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરી ગોડસેની વિચારધારા થોપવાના પ્રયત્નો થઈ રહ્યો છે. અંગ્રેજોના શાસન દરમિયાન શિક્ષણ મોંઘુ, બેરોજગારી આસમાને અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ, અસમાનતા, અસહિષ્ણુતા, આકરા કરવેરા, આ શાસનની ઓળખ હતી. આજનુ શાસન અંગ્રેજોના શાસનને શરમાવે તેવો અત્યાચાર કરી રહ્યા છે, ત્યારે છેવાડાના માનવીના કલ્યાણ ગાંધીના વિચાર સાથે ફરીથી ગાંધીના ગુજરાતમાંથી જનતા માટે ફરી આઝાદીની એજ લડત લડવામાં આવશે.