(એજન્સી) તા.ર૩
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરૂવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસના સંદર્ભમાં શાબ્દિક પ્રહાર કરતાં પૂછ્યું હતું કે શું અમિત શાહ માટે આ યોગ્ય બાબત છે કે તેઓ ભાજપના પ્રમુખપદે યથાવત રહે. હિન્દુઓના પવિત્ર પુસ્તક ગીતાનો ઉલ્લેખ કરી ગાંધીએ કહ્યું હતું કે ગીતામાં કહેવામાં આવ્યું છે કે તમે ક્યારેય પણ સત્યનો પીછો છોડાવી શકતા નથી તે હંમેશા તમારી સાથે રહે છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે સંદીપ તામગાડગેએ તેમની જુબાનીમાં અમિત શાહને મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યા છે. શું ભાજપ માટે આ સંપૂર્ણપણે યોગ્ય છે કે તે આવા વ્યક્તિને તેના પ્રમુખ બનાવે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ અધિકારી તમગાડગેએ કોર્ટ સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ર૦૦૬ના તુલસી પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ મુખ્ય ષડયંત્રકાર હતાં. એક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે નાગાલેન્ડ કેડરના ર૦૦૧ની બેંચના આઈ.પી.એસ. અધિકારી તામગાડગેએ બુધવારે મુબંઈની વિશેષ કોર્ટમાં જુબાની આપતા કહ્યું હતું કે આઈપીએસ અધિકારીઓ દિનેશ એમ.એન., રાજકુમાર પાંડિયન, ડી.જી. વણઝારા અને અમિત શાહ ર૦૦૬માં ગુજરાતમાં થયેલા તુલસી પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટરના મુખ્ય ષડયંત્રકારો હતા.