(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
પશ્ચિમ બંગાળના માલદામાં ૨૨ જાન્યુઆરી એટલે કે મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલી થવાની છે. તે માટે ભાજપ નેતાઓએ એરપોર્ટ પર હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી માંગી હતી. જો કે, ત્યાં રિનોવેશન અને નિર્માણ કામ ચાલતું હોવાની વાત કરીને એડિશનલ કલેક્ટરે મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે મમતા બેનરજીનું હેલિકોપ્ટર લેન્ડ કરાવવામાં આવ્યું હોવાથી ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો. સોમવારે માલદા પ્રશાસને હોટલ ગોલ્ડન પાર્ક પાસે ભાજપના હેલિકોપ્ટરના લેન્ડિંગને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, થોડા દિવસ પહેલાં મમતા બેનરજીનું હેલિકોપ્ટર પણ ત્યાં લેન્ડ કરવામાં આવ્યું હતું. અમારી પાસે તેની તસવીર છે. મમતા સરકાર પ્રશાનિક શક્તિઓનો દૂરઉપયોગ કરી રહી છે. અમિત શાહની રેલીનું આયોજન ૧૯ જાન્યુઆરીના રોજ ભાજપે કર્યું હતુ. પરંતુ ઉત્તરાયણ બાદ શાહને સ્વાઇન ફ્લુને કારણે તબિયત બગડતા રેલીની તારીખ આગળ વધારાઇ હતી. રાજ્યના સ્થાનિક ભાજપ નેતાઓએ શાહનું હેલિકોપ્ટર ઉતારવા એડિશનલ કલેક્ટરને વિનંતિ પત્ર લખ્યો હતો. પરંતુ પ્રશાસને એમ કહીને માંગણી ફગાવી હતી કે, લેન્ડિંગ જગ્યાએ બાંધકામની સામગ્રી પડેલી હોવાથી હેલિકોપ્ટર ઉતારવું સુરક્ષિત નથી.