(એજન્સી) નવી દિલ્હી, તા.રર
પુલવામા હુમલામાં સંડોવણી નહીં હોવાના ઈસ્લામાબાદના દાવા અંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ કરેલી ટિપ્પણી મામલે તેમને આડે હાથ લેતાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, નાયડુને નરેન્દ્ર મોદી કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન પર વધુ વિશ્વાસ છે. પુલવામા હુમલા અંગે ચંદ્રબાબુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની ભાષા બોલી રહ્યા છે.
મતબેંકના રાજકારણને કારણે ચંદ્રબાબુ ઈમરાનખાનની તરફેણ કરી રહ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે શંકાઓ પેદા કરી રહ્યા છે. આ પ્રકારનું ગંદુ રાજકારણ ન રમે, એમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં આંધ્રપ્રદેશની જનતાએ ચંદ્રબાબુ નાયડુ પાસે જવાબ માંગવો જોઈએ. શાહે જણાવ્યું હતું કે, કોઈ મર્યાદ નક્કી કરો, તમે રાજકારણને હજુ કેટલા નીચે લઈ જવા માંગો છો. શાહે જણાવ્યું હતું કે, કોઈ સિદ્ધિ માટે ચંદ્રબાબુને એવોર્ડ મળ્યો છે કે, નહીં તે હું જાણતો નથી પણ તેમને રાજકીય છેતરપિંડી કરનારા તરીકેનો એવોર્ડ જરૂર મળશે. ચંદ્રબાબુએ પહેલા પોતાના સસરા તથા ટીડીપીના સ્થાપક એન.ટી.શમા રાવને છેતર્યા ત્યારબાદ અટલબિહારી વાજપેયી અને હવે મોદી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.