(એજન્સી)
નવી દિલ્હી, તા.૩
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે દિલ્હીના ચાવડી બજારમાં હૌઝકાઝીમાં રવિવારે સ્કૂટર પાર્કિંગ અંગે નજીવો ઝઘડો થયા બાદ સર્જાયેલી અથડામણ અંગે ચર્ચા કરવા માટે બુધવારે દિલ્હીના પોલીસ કમીશનરને બોલાવ્યા હતા. અમિતશાહ સાથે બેઠક પુરી થયા બાદ દિલ્હીના પોલીસ કમીશનરે જણાવ્યું કે હાલમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. ચાવડી બજારમાં ૨૦ વર્ષીય વેપારી આસ મોહમ્મદ એક ઇમારતની બહાર પોતાનું સ્કૂટર પાર્ક કર્યું ત્યારે ત્યાંના નિવાસી સંજીવ ગુપ્તાએ સ્કૂટર પાર્ક કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અનેે ત્યાર પછી રવિવારે રાત્રે તંગદિલી શરૂ થઇ હતી. ગુપ્તા અને આસ મોહમ્મદ વચ્ચે નજીવો ઝઘડો થયા બાદ ટોળા દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. પત્રકારો દ્વારા પૂછવામાં આવતા પોલીસ કમીશરને જણાવ્યું કે હૌઝકાઝીની ઘટના અને વર્તમાન પરિસ્થિતિ વિશે તેમણે ગૃહ પ્રધાનને સામાન્ય માહિતી આપી છે. તેમણે કહ્યું કે મંદિરની તોડફોડની ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ધરપકડ કરાયેલાઓમાંથી બે જણાને મોહમ્મદ અનસ અને મોહમ્મદ ઝુબેર તરીતે ઓળખી પાડ્યા છે. અનસ સામે અગાઉના પણ બે કેસ છે અને શસ્ત્ર કાયદા હેઠળના આરોપોનો તે સામનો કરી રહ્યો છે. દરમિયાન, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચાવડી બજારની ઘટના અંગે અમિતશાહ નારાજ છે અને તેમણે દિલ્હી પોલીસ કમિશનરનો ઉધડો લીધો છે.