(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પર્યાવરણ સંરક્ષણ અભિયાનના ભાગરૂપે આજે અમદાવાદમાં ૮ ઈલેકટ્રીક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવા સાથે વૃક્ષ વાવી મિશન મિલિયન ટ્રીરીઝનું સમાપન કર્યું હતું. અમિત શાહે ક્લાઈમેટ ચેઈન્જ ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરતાં પર્યાવરણની જાળવણી માટે ભારતે પહેલ કરીને વડાપ્રધાનના નેતૃત્વમાં વિશ્વને નવો રાહ બતાવ્યો હોવાનું જણાવાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રીનો પર્યાવરણ જાળવણીનો વૈશ્વિક સંદેશ નગરજનો સમજાવતા જણાવ્યું કે પેરિસમાં જળવાયુ પરિવર્તન અંગેની બેઠકમાં પર્યાવરણ આંતરરાષ્ટ્રીય સમજૂતીના અમલમાં ભારતને વૈશ્વિક નેતૃત્વ આપવાના પ્રધાનમંત્રીના આહવાનને દેશની જનતાને ઝીલી લીધું છે. એમણે કહ્યું કે ઓઝોનનું સ્તર, કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોકસાઈડના સતત ઉત્સર્જનથી ઘટી રહ્યું છે ત્યારે વૃક્ષ, નદી, પૃથ્વી, જેવી પ્રકૃતિની ભેટને રક્ષવાની ભારતીય સંસ્કૃતિની પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ. અમિત શાહે અમદાવાદમાં પોતાના સંસદીય ક્ષેત્રની રહેણાંક સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરીઓને લખેલા પત્ર અને તે અન્વયે ૩ર૧૬ સોસાયટીઓ તરફથી મળેલ લેખિત વિધેયતાત્મક પ્રતિસાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમદાવાદ શહેરમાં છેલ્લા ૩ માસમાં ૧૦ લાખ ૮૭ હજાર વૃક્ષો જ્યારે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અંદાજે ર૪ લાખ ૬૦ હજાર વૃક્ષોનું વાવેતર થયું છે. આ વૃક્ષોથી અમદાવાદના જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમારોહમાં જાહેર કર્યું કે દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના વપરાશને વેગ આપવા ગુજરાત લીડ લેશે. તેમણે સીએનજી-પીએનજીનો વ્યાપક ઉપયોગ થાય. રસ્તા ઉપર વાહનોથી થતો ધૂમાડો દૂર થાય અને પ્રદૂષણમુક્ત વાતાવરણ રહે તે માટે વધુને વધુ લોકો ઈ-વ્હીકલ વાપરતા થાય એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધશે તેમ પણ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતનો વિકાસ પ્રદૂષણમુક્ત અને ગ્રીન ક્લિન ગુજરાતથી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.