નવી દિલ્હી, તા.ર૪
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ખાનગી સુરક્ષા એજન્સીઓના સંચાલકોને સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાઓનો લાભ લઈને આરોગ્ય વીમા, તબીબી આરોગ્ય તપાસ અને ખાનગી રક્ષકો માટે પેન્શન જેવી કલ્યાણકારી પહેલ કરવા જણાવ્યું છે.
ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ખાનગી સુરક્ષા એજન્સી લાઇસન્સિંગ પોર્ટલ શરૂ કરતાં તેમણે કહ્યું કે, એજન્સીઓએ ખાતરી કરવી જ જોઇએ કે દરેક ખાનગી સુરક્ષા રક્ષકને પગાર વિતરણ માટે ‘જન ધન’ બેંક ખાતું છે અને તેમની સાથે રોકડ વ્યવહાર ન થવો જોઈએ.
ગૃહમંત્રીએ કહ્યું કે, દેશમાં ૮૦ લાખ જેટલા ખાનગી સુરક્ષા રક્ષકો છે જ્યારે પોલીસ અને અર્ધલશ્કરી દળની કુલ સંખ્યા આશરે ૩૦ લાખ છે.
એટલે કે, ૨૪ ટકા પોલીસ અને ૭૬ ટકા ખાનગી સુરક્ષા રક્ષકો છે, એમ તેમણે જણાવ્યું હતું. “તમારે નિયમિત આરોગ્ય તપાસણી જેવી કલ્યાણકારી યોજનાઓ હાથ ધરવી જોઈએ. તમારે સરકાર દ્વારા પ્રાયોજિત રૂા.બે લાખ વીમા યોજના (વડા પ્રધાન સુરક્ષા બિમા યોજના) હેઠળ નોંધણી કરવી જોઈએ અને દરેક રક્ષકને વાર્ષિક રૂા.૨૨નું પ્રીમિયમ ચૂકવવું જોઈએ. સરકાર બાકીની રૂા.૩૫૦ની રકમ ચૂકવશે. તેવી જ રીતે, તમારે વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી દરેક ખાનગી રક્ષક અટલ પેન્શન યોજના (સરકારી પીઠ યોજના)ના આવરણમાં આવે,”તેમણે કહ્યું.