અમદાવાદ, તા.૩૦
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, રેપીડ એક્શન ફોર્સની સ્થાપના જે ઉમદા હેતુથી કરવામાં આવી હતી, એ તમામ અપેક્ષાઓને રેપીડ એક્શન ફોર્સે પૂરી કરીને પ્રજાજનો અને સરકાર સમક્ષ એક વિશ્વાસનો પરિચય કરાવ્યો છે. વસ્ત્રાલના રેપીડ એક્શન ફોર્સ ગ્રાઉન્ડમાં આરએએફનો ૨૭મો વાર્ષિક પરેડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહે પરેડની સલામી ઝીલી હતી. રેપીડ એક્શન ફોર્સના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદો અને મેયર સહિતના મહાનુભાવાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે, રેપીડ એક્શન ફોર્સે પોતાની એક શિસ્તને કારણે પ્રજાજનો સમક્ષ વિશ્વાસ કેળવવાનું કામ કર્યું છે. દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાઇ રહે તે માટે રેપિડ એક્શન ફોર્સ હંમેશા ખડે પગે ઊભી રહે છે. જ્યારે સીઆરપીએફના જવાનોની વાત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે, જ્યારે સંસદ પર આંતકવાદી હુમલો થયો હતો, ત્યારે આંતકવાદીઓની આ પ્રવૃત્તિને આપણી સીઆરપીએફએ મુહતોડ જવાબ આપ્યો હતો. આજ દિન સુધી કાશ્મીર, લદ્દાખ જેવી અનેક જગ્યાઓ પર સીઆરપીએફના જવાનો ખડે પગે દેશની સુરક્ષા કરી રહ્યા છે. સીઆરપીએફના મહાનિદેશક રાજીવ ભટનાગરે જણાવ્યુ કે, સીઆરપીએફ અને રેપીડ એક્શન ફોર્સેને પોતાની શોર્ય અને વિરતા બદલ અનેક પદક મળ્યા છે. આંતર સુરક્ષાથી લઇને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સુધી સીઆરપીએફ અને રેપીડ એક્શન ફોર્સે હંમેશા સહરાનિય કામગિરી કરી રહી છે. આ પ્રસંગે દેશની સુરક્ષા માટે શોર્ય દાખવનાર અને બલિદાન આપનાર જવાનોના પરિજનોને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પદક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ બટાલિયનની સહરાનિય કામગીર બદલ પણ સન્માનિત કરવામાં આવી હતી.